સૅમસન પછી હવે અશ્વિને પણ અત્યારથી 2026ની આઇપીએલમાં હલચલ મચાવી છે! જાણો કેવી રીતે…

નવી દિલ્હીઃ 2026ની આઇપીએલને હજી નવ મહિના બાકી છે, પણ બે જાણીતા ખેલાડીઓએ અત્યારથી એવું પગલું લીધું છે જેની અસર આ વર્ષના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં યોજાનારા મિની ઑક્શન (MINI AUCTION) પર પડી શકે.
સંજુ સૅમસને (SANJU SAMSON) તો પોતાને ઑક્શન માટે રિલીઝ કરી દેવાનું રાજસ્થાન રૉયલ્સ (RR)ના ફ્રૅન્ચાઇઝીને કહી જ દીધું છે, રવિચન્દ્રન અશ્વિને (R. ASHWIN) પણ વર્તમાન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે ચર્ચા શરૂ કરી છે જેને પગલે અટકળ થઈ રહી છે કે અશ્વિન હવે સીએસકેની ટીમ છોડી દેવા વિચારે છે અથવા તો સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ અશ્વિન સાથેના ભાવિ વ્યવહાર વિશે ખુલાસો કરવા તેની સાથે મંત્રણા શરૂ કરી છે.
ASHWIN REQUESTS RELEASE FROM CSK
— Johns. (@CricCrazyJohns) August 8, 2025
Exclusive: Sources confirm that Ashwin has requested CSK to release him ahead of IPL 2026. pic.twitter.com/YQM8UYdeTP
વિકેટકીપર-બૅટ્સમૅન સૅમસન 2025ની આઇપીએલમાં રાજસ્થાનની ટીમમાં હતો, પરંતુ ઈજા કારણે તે માત્ર નવ મૅચ રમી શક્યો હતો જેમાં તેણે કુલ 285 રન કર્યા હતા અને સ્ટમ્પ્સની પાછળથી પાંચ શિકાર કર્યા હતા. સૅમસનને રાજસ્થાનના ફ્રૅન્ચાઇઝીએ 18 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો.
તેણે રાજસ્થાનની ટીમના માલિકોને 2025ની આઇપીએલ પૂરી થતાં જ કહી દીધું હતું કે તે હવે રાજસ્થાનની ટીમમાં નથી રહેવા માગતો એટલે તેને મિની ઑક્શન માટે રિલીઝ કરી દેવામાં આવે. મનોજ બેદાળે આ ટીમના મુખ્ય માલિક છે અને તેમનું ફ્રૅન્ચાઇઝી અશ્વિનને સમજાવવાના પ્રયાસમાં હોવાનું જાણવા મળ્યું છે.
સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ 2025ની આઇપીએલ પહેલાં અશ્વિનને 9.75 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો. જોકે તેને તમામ 14 લીગ મૅચ નહોતી રમવા મળી. નવ મૅચમાં તે ફક્ત સાત વિકેટ લઈ શક્યો હતો. પાંચ ટાઇટલ જીતી ચૂકેલી સીએસકેની ટીમ 2025ની આઇપીએલમાં છેક 10મા સ્થાને રહી હતી.
દરમ્યાન, સીએસકેની ટીમને 30 વર્ષીય સંજુ સૅમસન મેળવવામાં રસ હોવાનું અગાઉ ઘણી વાર જોવા મળ્યું હતું અને ખુદ સૅમસન હવે 2026ની આઇપીએલમાં સીએસકેની ટીમમાં જોડાવા માગતો હોવાનું મનાય છે.
આ પણ વાંચો…બોલતાં પહેલાં વિચાર કર, કર્મનો સિદ્ધાંત પોતાને પણ લાગુ પડે છેઃ અશ્વિને આવું કોના માટે કહ્યું?