સચિને પહેલી વાર પુત્ર અર્જુનની વાગ્દતા સાનિયા ચંડોક સાથેનો ફોટો શૅર કર્યો, અંજલિ-સારા પણ તસવીરમાં | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સચિને પહેલી વાર પુત્ર અર્જુનની વાગ્દતા સાનિયા ચંડોક સાથેનો ફોટો શૅર કર્યો, અંજલિ-સારા પણ તસવીરમાં

મુંબઈઃ ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરની તાજેતરમાં એક નાના ખાનગી સમારંભમાં સાનિયા ચંડોક સાથે સગાઈ (Engagement) કરવામાં આવી ત્યાર બાદ પહેલી જ વાર સચિને (Sachin) તેની વહુ સાથેની તસવીર જાહેરમાં શૅર કરી છે. આ ફોટોમાં સચિનની પત્ની અંજલિ (Anjali), પુત્રી સારા (Sara) તેમ જ અંજલિનાં મમ્મી એનાબેલ મહેતા પણ નજરે પડે છે.

અર્જુન-સાનિયા ચંડોક વચ્ચેની સગાઈના ફંક્શનની તસવીરો હજી મીડિયા સુધી નથી પહોંચી, પરંતુ તેન્ડુલકરની એક ઍકેડેમી (Academy)ના કાર્યક્રમમાં અર્જુનની મંગેતર સાનિયા સાથેની પરિવારની તસવીર વાઇરલ થઈ છે. સચિને પહેલી જ વાર પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર પોતાની વહુની ઝલક બતાવી છે.

સચિનની પુત્રી સારાએ મુંબઈમાં પિલેટ્સ ઍકેડેમી ખોલી છે જેમાં શારીરિક તથા માનસિક રીતે ફિટનેસ વધુ સારી કરવા માટેના પ્રોગ્રામ ઑફર કરવામાં આવે છે. દુબઈની આ ઍકેડેમીની મુંબઈમાં ખોલવામાં આવેલી આ ચોથી બ્રાન્ચ છે. આ શાખાના ઉદ્ઘાટનનો સમારંભ નાના પાયે રાખવામાં આવ્યો હતો જેમાં રિબન કાપતી વખતે સારા સાથે તેના મમ્મી-પપ્પા તેમ જ નાની અને સાનિયા ચંડોક હાજર હતાં.

સચિને ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં પુત્રી સારા વિશે લખ્યું છે, ` પૅરેન્ટ્સ હંમેશાં ઇચ્છે છે કે તેમના બાળકો સૌથી વધુ પસંદ હોય એ ક્ષેત્રમાં આગળ વધે. પિલેટ્સ સ્ટૂડિયો ખોલવો સારા માટે એ જ બહુમૂલ્ય પળ છે. જેમ એક-એક ઇંટથી ઇમારતનું ચણતર થાય એમ સારા તનતોડ મહેનત કરીને આ મંઝિલ સુધી પહોંચી છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button