આઇપીએલમાં રમનાર નેપાળનો ક્રિકેટર સંદીપ લામિછા રેપ કેસમાં દોષી
કાઠમંડુ: નેપાળના ક્રિકેટર સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં દોષિત સાબિત થયો છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બળાત્કાર વખતે પીડિતા સગીર નહોતી. લામિછા આગામી સુનાવણીમાં સજા આપવામાં આવશે. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે શુક્રવારે નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછા બળાત્કારના કેસમાં દોષી ઠેરવ્યો હતો. જસ્ટિસ શિશિર રાજ ઢકાલની સિંગલ બેન્ચે રવિવારે શરૂ થયેલી અંતિમ સુનાવણીના આદેશ આપ્યો હતો. કોર્ટે તારણ કાઢ્યું હતું કે ઘટના સમયે પીડિતા સગીર નહોતી.
નેપાળના પૂર્વ કેપ્ટન પર ઑગસ્ટ ૨૦૨૨માં કાઠમંડુની એક હોટેલમાં ૧૮ વર્ષની છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો, જે હવે સાબિત થઈ ગયો છે. આગામી સુનાવણીમાં સંદીપની સજાનો નિર્ણય કરવામાં આવશે. હાલ તે જામીન પર બહાર છે. ૧૨મી જાન્યુઆરીએ પાટવ હાઈ કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. લામિછાની રિવ્યુ પિટિશનનો જવાબ આપતા જસ્ટિસ ધ્રુવ રાજ નંદા અને રમેશ દહલની સંયુક્ત બેન્ચે શરતો સાથે ૨૦ લાખ રૂપિયાના નેપાળી બોન્ડ પર તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસે ૨૧ ઑગસ્ટના રોજ લામિછા વિરુદ્ધ ૧૭ વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. તેમની સામે ક્રિમિનલ કોડ ૨૦૭૪ની કલમ ૨૧૯ હેઠળ આરોપ મુકવામાં આવ્યો છે.
યુવતીએ છ સપ્ટેમ્બરે મેટ્રોપોલિટન પોલીસ સર્કલ, ગૌશાળામાં ૨૨ વર્ષીય ક્રિકેટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે સમયે લામિછાને કેરેબિયન પ્રીમિયર લીગમાં રમવા માટે ત્રિનિદાદ અને ટોબેગોમાં હતો. નેપાળ પોલીસે તેની છ ઑક્ટોબરે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ લામિછાનું બૅન્ક એકાઉન્ટ અને પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી હતી. ૨૩ વર્ષીય સંદીપે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ૫૧ વન-ડે અને ૫૨ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત સંદીપ આઇપીએલ પણ રમી ચૂક્યો છે. તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. સંદીપે કુલ નવ આઈપીએલ મેચ રમી છે. આ મેચોમાં તેણે ૧૩ વિકેટ લીધી હતી.