દ્રવિડના પુત્ર સમિતને મહારાજા ટ્રોફીના એકેય ફ્રૅન્ચાઇઝીએ ન ખરીદ્યો…

બેંગલૂરુઃ મહાન ક્રિકેટરોના દીકરાઓને પિતાની ખ્યાતિને કારણે આસાનીથી કોઈ ટીમમાં સમાવેશ મળી જાય કે કરીઅરની શરૂઆતથી જ પિતાની જેમ ફેમસ થવા લાગે અને સફળતાના શિખર તત્કાળ સર કરવા લાગે એવું મોટા ભાગે નથી બનતું હોતું. સુનીલ ગાવસકર બાદ તેમનો પુત્ર રોહન ગાવસકર મેદાન પર ખાસ કંઈ સફળ નહોતો થઈ શક્યો, જ્યારે સચિન તેન્ડુલકરના પેસ બોલિંગ ઑલરાઉન્ડર પુત્ર અર્જુન તેન્ડુલકરને આઇપીએલમાં બહુ ઓછું રમવા મળ્યું છે. હવે રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ (Samit Dravid) ચર્ચાના કેન્દ્રમાં છે. વાત એવી છે કે 2025ની મહારાજા ટ્રોફી માટેની હરાજીમાં સમિત દ્રવિડને એક પણ ફ્રૅન્ચાઇઝીએ નથી ખરીદ્યો.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશનના નેજા હેઠળ આઇપીએલ સ્ટાઇલની મહારાજા ટ્રોફી Maharaja trophy) ટી-20 સ્પર્ધા આગામી 11-27 ઑગસ્ટ દરમ્યાન રમાશે. સમિત રાહુલ દ્રવિડ 19 વર્ષનો છે. તે રાઇટ હૅન્ડ બૅટ્સમૅન અને રાઇટ આર્મ પેસ બોલર છે. તે 2024ની મહારાજા ટ્રોફીમાં માયસોર વૉરિયર્સ (Mysore Warriors) વતી રમ્યો હતો. ત્યારે સાત મૅચમાં તેના સ્કોર આ મુજબ હતાઃ 7, 7, 33, 16, બે, 12 અને પાંચ રન. ત્યારે માયસોર વૉરિયર્સે તેને 50,000 રૂપિયામાં ખરીદ્યો હતો.
2024ની મહારાજા ટ્રોફીમાં માયસોર વૉરિયર્સ ટીમે કરુણ નાયરના સુકાનમાં ટ્રોફી જીતી લીધી હતી. કરુણ નાયર હાલમાં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં છે જ્યાં તે સારું નથી રમી શક્યો.આ વખતની મહારાજા ટ્રોફી માટેની હરાજીમાં દેવદત્ત પડિક્કલ સૌથી ઊંચા 13.20 લાખ રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યો હતો. તેને હુબલી ટાઇગર્સ ટીમે મેળવ્યો છે.