
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મિની હરાજી મંગળવારે દુબઈમાં થઈ હતી. એક તરફ ઓસ્ટ્રેલિયાની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સ પર મોટા દાવ લગાવવામાં આવ્યા હતા.તો, બીજી તરફ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટરો પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો જેમાં શુભમ દુબે, શાહરૂખ ખાન સહિત ઘણા ખેલાડીઓ સામેલ છે. પરંતુ ઉત્તર પ્રદેશના સમીર રિઝવીને જેકપોટ લાગ્યો હતો.
IPLની હરાજીમાં સમીરને ખરીદવા માટે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે સ્પર્ધા થઇ હતી. ચેન્નઈએ સમીરને રૂ. 20 લાખની બેઝ પ્રાઈઝ સાથે ખરીદવાની પહેલી બોલી લગાવી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સે બોલી લગાવી હતી. ગુજરાતે 7.40 કરોડની છેલ્લી બોલી લગાવી અને પછી બહાર થઇ ગઈ. આ પછી દિલ્હી કેપિટલ્સ સ્પર્ધામાં આવી, દિલ્હીએ પણ માત્ર બે વાર બોલી લગાવી અને પછી તેણે પણ હાર સ્વીકારી. અંતે ચેન્નાઈની ટીમે સમીરને 8.40 કરોડની બોલી લગાવીને ખરીદ્યો.
20 વર્ષના સમીરને રાઈટ હેન્ડનો સુરેશ રૈના કહેવામાં આવે છે. તે ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. સમીરે વર્તમાન ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન અને ઉત્તર પ્રદેશ ટી20 લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સમીરે UP T20 લીગની 9 ઇનિંગ્સમાં 455 રન બનાવ્યા હતા અને ત્રીજો ટોપ સ્કોરર હતો. તેણે 47 બોલમાં લીગની સૌથી ઝડપી સદી પણ ફટકારી અને ટૂર્નામેન્ટમાં કુલ 35 છગ્ગા પણ ફટકાર્યા હતાં. આ જ કારણ છે કે CSKએ આટલી મોટી રકમ ખર્ચીને સમીરને ખરીદ્યો છે.