ભારત સામે કેમ ત્રણ-ત્રણ પછડાટ ખાવી પડી, બોલ? કૅપ્ટન સલમાન આગાને પાકિસ્તાન બોર્ડ સજા કરવાની પેરવીમાં…

કરાચીઃ ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં દુબઈના એશિયા કપમાં દુશ્મન-દેશ પાકિસ્તાનની ક્રિકેટ ટીમને પરાજયના ઉપરાઉપરી ત્રણ કડક તમાચા લગાવ્યા એને પગલે સમગ્ર ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું નાક તો કપાઈ જ ગયું, પાકિસ્તાનની પ્રજા પોતાના દેશની ટીમ પર હજીયે ક્રોધિત છે અને એવામાં અહેવાલ મળ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) કૅપ્ટન સલમાન આગા (Salman Agha)પર અગનગોળા છોડવાની તૈયારીમાં છે.
બીજી રીતે કહીએ તો પીસીબી સલમાન આગાને 2026ના ટી-20 વર્લ્ડ કપ માટેની યોજનામાં સક્રિયપણે સહભાગી બનાવવા નથી જ માગતું અને તેની પાસેથી ટી-20 ટીમની કૅપ્ટન્સી છીનવી લેવાની તૈયારી પણ થઈ રહી છે.
27 વર્ષના સ્પિન-ઑલરાઉન્ડર શાદાબ ખાન (Shadab Khan)ને સલમાન આગાના સ્થાને ટી-20 નૅશનલ ટીમનો સુકાની બનાવવામાં આવશે. શાદાબ પાકિસ્તાન વતી છેલ્લે જૂન, 2025માં રમ્યો હતો, પરંતુ ઈજાને કારણે તે મેદાનથી દૂર રહ્યો હતો. ખભાની સર્જરી પછી હવે તે ફરી ફિટનેસ મેળવી રહ્યો છે અને ફેબ્રુઆરી, 2026ના ટી-20 વર્લ્ડ કપ માટેની વ્યૂહરચનામાં તેને આગળ પડતી ભૂમિકા સોંપવાની પીસીબી (PCB)ની હિલચાલ છે. શાદાબ ખાન છ ટેસ્ટ, 70 વન-ડે અને 112 ટી-20 રમ્યો છે.
કહેવાય છે કે આવતા મહિને શાદાબ ખાનની ટી-20ના નવા સુકાની તરીકે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. 2026નો વિશ્વ કપ સંયુક્ત રીતે ભારત અને શ્રીલંકામાં રમાશે અને પાકિસ્તાનની તમામ મૅચો શ્રીલંકામાં રાખવામાં આવશે.
એશિયા કપમાં માત્ર 15 દિવસમાં સલમાન આગાની ટીમનો ભારતના હાથે ઘડોલાડવો થઈ ગયો હતો. 14મી સપ્ટેમ્બરે લીગ મૅચમાં, 21મી સપ્ટેમ્બરે સુપર-ફોરના મુકાબલામાં અને 28મી સપ્ટેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાનની ભારત સામે પરાજયની નાલેશી થઈ હતી. ખાસ કરીને ફાઇનલમાં પાકિસ્તાન કફોડી હાલતમાં મૂકાયું હતું.
113 રન પર પાકિસ્તાનની એક જ વિકેટ હતી અને 146 રનના સ્કોર પર આખી ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે ચાર તેમ જ અક્ષર, વરુણ, બુમરાહે બે-બે વિકેટ લીધી હતી. ભારતે તિલક વર્માના અણનમ 69 રનની મદદથી 19.4 ઓવરમાં પાંચ વિકેટે 150 રન બનાવીને રોમાંચક વિજય મેળવી લીધો હતો.