લગ્નના સાત વર્ષ બાદ સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ અલગ થયા..

મુંબઈ: ભારતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે તેના ભારતીય ખેલાડી પતિ પારુપલ્લી કશ્યપથી અલગ થવાની જાહેરાત કરી છે. આ સ્પોર્ટસ કપલે 2018માં લગ્ન કર્યા હતા અને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડમીમાં સાથે તાલીમ લીધી હતી. સાઈનાએ ઈન્સ્ટાગ્રામ પર આ નિર્ણયની માહિતી આપી, જે ચાહકો માટે આશ્ચર્યજનક છે.

સાઈના-કશ્યપનો અલગ થવાનો નિર્ણય
સાઈનાએ રવિવારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે, “જીવન ક્યારેક આપણને અલગ રસ્તે લઈ જાય છે. ઘણા વિચાર પછી, હું અને પારુપલ્લી કશ્યપે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે એકબીજા માટે શાંતિ અને પ્રગતિની ઈચ્છા રાખીએ છીએ. હું અમારી યાદો માટે આભારી છું અને બધાને અમારી પ્રાઈવેસીનું માન રાખવા માટે વિનંતી કરું છું.” જોકે પારુપલ્લીએ આ અંગે હજુ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી.
સાઈનાની બેડમિન્ટનમાં ઐતિહાસિક સફળતા
સાઈના નેહવાલે 2012ના લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2015માં તે વિશ્વ બેડમિન્ટન રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની. 2008ના બેઈજિંગ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલ સુધીની સફરે ભારતમાં બેડમિન્ટનને નવું જીવન આપ્યું. તેની સિદ્ધિઓએ નવી પેઢીના ખેલાડીઓને પ્રેરણા આપી, જેમણે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું.
પારુપલ્લી કશ્યપની બેડમિન્ટન સફર
પારુપલ્લી કશ્યપે 2010ના દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય અને 2014ના ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ પદક જીત્યો. 2012ના લંડન ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચનાર તે ભારતનો પ્રથમ પુરુષ બેડમિન્ટન ખેલાડી હતો. 1997માં એક કેમ્પમાં સાઈના અને કશ્યપની મુલાકાત થઈ, અને 2004માં હૈદરાબાદની ગોપીચંદ એકેડમીમાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી.