સૈફ-કરીના પણ બની ગયા ક્રિકેટ ટીમનાં માલિક
બૉલીવુડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન તથા અન્ય સિતારાઓ તેમ જ દક્ષિણ ભારતના અભિનેતાઓ ક્રિકેટ ટીમના માલિક બની ગયા તો બૉલીવુડનું સેલિબ્રિટી-કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને થયું કે અમે પણ કેમ પાછળ રહી જઈએ. જુઓને, આગામી માર્ચમાં રમાનારી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઇએસપીએલ)ની ટીમ ખરીદવાની જાણે હરીફાઈ જામી છે.
મુંબઈમાં બીજી માર્ચે આઇએસપીએલ નામની સૌપ્રથમ ટેનિસ બૉલ ટી-10 ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે. બિગ બીએ ટીમ મુંબઈ ખરીદી છે તો અક્ષય કુમારે ટીમ શ્રીનગરની માલિકી લીધી છે. ઋતિક રોશને ટીમ બેન્ગલુરુ મેળવી છે, જ્યારે રામ ચરણે ટીમ હૈદરાબાદ અને સુરિયાએ ટીમ ચેન્નઈ પર પોતાનો સિક્કો જમાવ્યો છે.
હવે સૈફ-કરીનાની જોડી ટીમ કલકત્તાનાં માલિક બની ગયાં છે. માલિકી મેળવવા માટેની આ છેલ્લી ટીમ હતી. કરીનાએ આ ગુડ ન્યુઝની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી હતી અને સ્ટોરીમાં જણાવ્યું હતું કે તેની ફૅમિલીનો ક્રિકેટ સાથે બહુ જૂનો નાતો છે. સૈફના પિતા અને કરીનાના સસરા મન્સૂર અલી ખાન પટૌડીની ગણના ભારતના લેજન્ડરી ક્રિકેટર્સમાં અચૂક કરવામાં આવે છે. કરીનાએ સ્ટોરીમાં એવું પણ લખ્યું છે કે ‘યુવા અને આશાસ્પદ ક્રિકેટર્સ માટે આ ટુર્નામેન્ટ મેદાન પર ઝળકવા માટેની ઉત્તમ તક છે અને અમે પણ આ સ્પર્ધાના અનુભવનો હિસ્સો બનવા માટે ખૂબ એક્સાઇટેડ છીએ.’