તૂને મારી એન્ટ્રીયાં રે…: સચિનના આગમનથી અમેરિકામાં ક્રિકેટની બોલબાલા વધશે…જાણો કેવી રીતે
હ્યુસ્ટન/વૉશિંગ્ટન: ભારતમાં ક્રિકેટિંગ-ગૉડ તરીકે જાણીતો સચિન તેન્ડુલકર અમેરિકાના નૅશનલ ક્રિકેટ લીગ (એનસીએલ)ની માલિકીના જૂથમાં જોડાયો છે. સચિનના આ પ્રકારના આગમનથી આવનારા વર્ષોમાં અમેરિકામાં ક્રિકેટની રમતને વેગ મળશે. ક્રિકેટની રમત અમેરિકામાં હજી શૈશવકાળમાં છે, પરંતુ સચિનની એન્ટ્રીથી તેમ જ બીજા મહત્ત્વના પરિબળોને કારણે દેશમાં ક્રિકેટનો ફેલાવો ખૂબ વધશે એવી ધારણા છે.
સચિન જોડાયો હોવાની જાહેરાત એનસીએલે કરી ત્યાર બાદ સચિને કહ્યું, ‘ક્રિકેટ મારા જીવનની સર્વશ્રેષ્ઠ સફર છે અને અમેરિકામાં ક્રિકેટની રમત ફેલાવાની શરૂ થઈ છે એ અવસરે નૅશનલ ક્રિકેટ લીગ સાથે જોડાતાં હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. એનસીએલ નવી પેઢીના ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટ તરફ પ્રભાવિત કરવાના ઇરાદા સાથે અમેરિકામાં વિશ્ર્વ સ્તરની ક્રિકેટ માટે એક પ્લૅટફોર્મ ઊભું કરવા માગે છે. એનસીએલ જેવું જ મારું વિઝન છે. હું આ પહેલનો હિસ્સો બનવા તેમ જ અમેરિકામાં ક્રિકેટની રમતના વિકાસમાં સાક્ષી બનવા માગું છું.’
અમેરિકાની એનસીએલની ઓપનિંગ સેરેમની મિકા સિંહ તથા અન્ય સિંગર્સ અને ડાન્સર્સના પર્ફોર્મન્સ સાથે શરૂ થયા બાદ એમાં લેજન્ડરી ક્રિકેટરોના કોચિંગની કમાલ જોવા મળશે. સુનીલ ગાવસકર, ઝહીર અબ્બાસ, વસીમ અકરમ, દિલીપ વેન્ગસરકર, સર વિવિયન રિચર્ડ્સ, વેન્કટેશ પ્રસાદ, સનથ જયસૂર્યા, મોઇન ખાન વગેરે મહાન ખેલાડીઓ એનસીએલની આ સીઝનના ખેલાડીઓના મેન્ટર અને હેડ-કોચ બનશે.
ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા જાણીતા ખેલાડીઓમાં સુરેશ રૈના, દિનેશ કાર્તિક, રૉબિન ઉથપ્પા, શાહિદ આફ્રિદી, શાકિબ અલ હસન, તબ્રેઝ શમ્સી, ક્રિસ લીન, ઍન્જેલો મૅથ્યૂઝ, કૉલિન મન્રો, સૅમ બિલિંગ્સ, મોહમ્મદ નબી અને જૉન્સન ચાર્લ્સનો સમાવેશ છે.
એનસીએલ ટૂર્નામેન્ટ જીતનાર ટીમને ચૅમ્પિયનશિપ ટ્રોફી સચિન તેન્ડુલકરના શુભહસ્તે એનાયત કરાશે.