સ્પોર્ટસ

સાઉથ આફ્રિકામાં ગાંગુલીને ફરી નિરાશા, કાવ્યા મારનની ટીમે પણ બાજી મારી

કેબેખાઃ સાઉથ આફ્રિકાના કેબેખા (અગાઉનું નામ પોર્ટ એલિઝાબેથ) શહેરમાં મંગળવારે રમાયેલી એસએ20 (SA20) ટૂર્નામેન્ટની રોમાંચક મૅચમાં પ્રીટોરિયા કૅપિટલ્સનો સનરાઇઝર્સ

ઈસ્ટર્ન કૅપ ટીમ સામે 48 રનથી પરાજય થયો એ બાદ મુખ્ય ચર્ચા એ છે કે સૌરવ ગાંગુલીના કોચિંગમાં રમી રહેલી પ્રીટોરિયા (PRETORIA)ની ટીમે સતત બીજી હાર જોવી પડી છે. આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારને એસએ20માં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ (SUNRISERS EASTERN CAPE) ટીમ ખરીદી છે અને મંગળવાર સુધીમાં આ ટીમ બન્ને મૅચ જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં સૌથી વધુ 10 પૉઇન્ટ સાથે મોખરે હતી. બીજી બાજુ, પ્રીટોરિયાની ટીમ બન્ને મૅચ હારી હોવાથી મંગળવાર સુધીમાં એના નામે એકેય પૉઇન્ટ નહોતો.

આપણ વાચો: સૌરવ ગાંગુલીનો AI ‘માસ્ટરસ્ટ્રોક’: હવે દરેક ખેલાડીને મળશે 24×7 પર્સનલ ક્રિકેટ કોચિંગ…

પ્રીટોરિયાને બૅટિંગમાં સનરાઇઝર્સનો ક્વિન્ટન ડિકૉક (77 રન, 47 બૉલ, છ સિક્સર, પાંચ ફોર) સૌથી ભારે પડ્યો હતો. તેની અને મૅથ્યૂ બીટ્ઝકી (બાવન રન, 33 બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ હતી જે પ્રીટોરિયાની ટીમને નડી હતી. આ ભાગીદારીની મદદથી સનરાઇઝર્સે 20 ઓવરમાં છ વિકેટે 188 રન કર્યા હતા.

ટોરિયાની ટીમના સ્પિનર કેશવ મહારાજને એક પણ વિકેટ નહોતી મળી, જ્યારે લુન્ગી ઍન્ગિડી 35 રનમાં એક જ વિકેટ લઈ શક્યો હતો. ટાઇમલ મિલ્સ 31 રનમાં બે વિકેટ લેવામાં સફળ થયો હતો, જેમાંની એક મહત્ત્વની વિકેટ સનરાઇઝર્સના કૅપ્ટન ટ્રિસ્ટેન સ્ટબ્સ (નવ રન)ની હતી.

આપણ વાચો: સૌરવ ગાંગુલી બની ગયો હેડ-કોચઃ અચાનક આ મોટી જવાબદારી સ્વીકારી લીધી!

કેશવ મહારાજના નેતૃત્વવાળી પ્રીટોરિયાની ટીમમાં નામાંકિત બૅટ્સમેન હતા. જોકે 189 રનના મોટા લક્ષ્યાંક સામે એમાંનો એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. વિકેટકીપર શાઈ હોપના 36 રન ટીમમાં હાઇએસ્ટ હતા.

ડેવાલ્ડ બે્રવિસ ફક્ત 12 રન અને શેરફેન રુધરફર્ડ પચીસ રન કરી શક્યા હતા. પ્રીટોરિયાની ટીમ 18 ઓવરમાં 140 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. સનરાઇઝર્સના જાણીતા બોલર્સ ઍડમ મિલ્ને ચાર વિકેટ અને થારિન્ડુ રત્નાયકેએ બે વિકેટ લીધી હતી.

શનિવારે ફાફ ડુ પ્લેસીના સુકાનમાં જોહનિસબર્ગ સુપર કિંગ્સ (6/168) સામે પ્રીટોરિયા કૅપિટલ્સ (9/146)નો બાવીસ રનથી પરાજય થયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button