
કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાએ અહીં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે પહેલા દાવમાં 615 રન બનાવ્યા ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ 64 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ઓપનર રાયન રિકલ્ટન (259 રન, 343 બૉલ, 607 મિનિટ, ત્રણ સિક્સર, ઓગણત્રીસ ફોર) આ બીજા દિવસનો સુપરસ્ટાર પ્લેયર હતો. તેણે કરીઅરની આ 10મી ટેસ્ટમાં પહેલી ડબલ સેન્ચુરી ફટકારી હતી. ચાર પાકિસ્તાની બોલર્સની બોલિંગમાં 110થી વધુ રન બન્યા હતા.
કૅપ્ટન ટેમ્બા બવુમા (106 રન, 179 બૉલ, 248 મિનિટ, બે સિક્સર, નવ ફોર) અને વિકેટકીપર કાઇલ વેરીને (100 રન, 147 બૉલ, 152 મિનિટ, પાંચ સિક્સર, નવ ફોર)ની સદીનો પણ ટીમના 615 રનમાં મોટો ફાળો હતો.
બવુમા અને રિકલ્ટન વચ્ચે ચોથી વિકેટ માટે 325 બૉલમાં 235 રનની તોતિંગ ભાગીદારી થઈ હતી. રિકલ્ટને એ ઉપરાંત વેરીને સાથે 222 બૉલમાં 148 રનની તથા માર્કો યેનસેન (62 રન) સાથે 67 બૉલમાં 86 રનની પાર્ટનરશિપ પણ કરી હતી.
સ્પિનર કેશવ મહારાજે પણ પાકિસ્તાની બોલર્સને નહોતા છોડ્યા. તેણે 35 બૉલમાં બે સિક્સર અને ચાર ફોરની મદદથી 40 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બોલર્સમાં મોહમ્મદ અબ્બાસ અને સલમાન આગાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જોકે તેમને એ વિકેટો અનુક્રમે 94 રન તથા 148 રનના ખર્ચે પડી હતી.
પાકિસ્તાને કૅપ્ટન-ઓપનર શાન મસૂદ, કામરાન ગુલામ અને સાઉદ શકીલની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી.
તેમની ત્રણમાંથી બે વિકેટ કૅગિસો રબાડાએ અને એક વિકેટ યેનસેને લીધી હતી. સાઉથ આફ્રિકાએ પહેલી ટેસ્ટ 29મી ડિસેમ્બરે બે વિકેટના માર્જિનથી જીતી લીધી હતી.