IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

RR vs RCB IPL highlights: કોહલીની સેન્ચુરી પાણીમાં ગઈ, બટલર સદી ફટકારીને સુપરહીરો બની ગયો

જયપુર: રાજસ્થાન રૉયલ્સે હોમગ્રાઉન્ડ પર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને પાંચ બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવીને આઠ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. બેન્ગલૂરુએ વિરાટ કોહલી (113 અણનમ, 72 બૉલ, ચાર સિક્સર, બાર ફોર)ની સદીની મદદથી ત્રણ વિકેટે 183 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાને પણ સેન્ચુરીનો જવાબ સેન્ચુરીથી આપ્યો હતો. એનો ઓપનર જૉસ બટલર (100 અણનમ, 58 બૉલ, ચાર સિક્સર, નવ ફોર) પણ સદી ફટકારવામાં સફળ થયો હતો અને એના જોરે જ રાજસ્થાને લાગલગાટ ચોથો વિજય પણ મેળવી લીધો હતો.

બટલરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.રાજસ્થાને 184 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ 19.1 ઓવરમાં (પાંચ બૉલ બાકી રાખીને) ચાર વિકેટે 189 રન બનાવ્યા હતા.

બટલર 19મી ઓવરને અંતે 94 રન પર નૉટઆઉટ હતો. ત્યારે રાજસ્થાનનો સ્કોર 183/4 હતો અને એણે જીતવા એક જ રન બનાવવાનો બાકી હતો. સિરાજની 19મી ઓવરના છેલ્લા બૉલે બટલર એક રન દોડીને પાછો સ્ટ્રાઇક પર આવ્યો હતો એટલે 20મી ઓવરની જવાબદારી સાથે આવેલા કૅમેરન ગ્રીનનો પહેલો બૉલ બટલરે રમવાનો હતો. બટલરે તેના એ પહેલા જ બૉલમાં છગ્ગો ફટકારીને સેન્ચુરી પૂરી કરી હતી. શિમરૉન હેટમાયર 11 રને અણનમ રહ્યો હતો.


સંજુ સૅમસનના સુકાનમાં રાજસ્થાને પંજાબને ચાર વિકેટે, લખનઊને 20 રનથી, દિલ્હીને 12 રનથી અને હવે બેન્ગલૂરુને છ વિકેટે હરાવ્યું. કોહલીએ માત્ર 67 બૉલમાં સેન્ચુરી પૂરી કરી. 2024ની આઇપીએલની આ પહેલી જ સેન્ચુરી હતી. આઇપીએલના ઇતિહાસમાં તેની આ કુલ આઠમી સેન્ચુરી હતી જે વિક્રમજનક છે. તેણે એવી ટીમ (રાજસ્થાન) સામે સદી ફટકારી જેણે આ મુકાબલા પહેલાં આ વખતે પહેલી ત્રણેય મૅચ જીતી હતી.


રાજસ્થાન સામે કોહલી આ પહેલી જ સદી ફટકારવામાં સફળ થયો. જયપુરમાં કોહલી પહેલી વાર સદી પૂરી કરવામાં સફળ થયો અને આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવી ચૂકેલા બૅટર્સમાં કોહલી 7,500 રનના આંક પર પહોંચનારો પહેલો ખેલાડી પણ બન્યો હતો. ખરું કહીએ તો તેની આ બધી મહેનત અને તમામ સિદ્ધિઓ રાજસ્થાન સામેની હારને કારણે એળે ગઈ.

શનિવારની આ મૅચ ખરેખર તો બન્ને ટીમના સુપરસ્ટાર બૅટર્સ વચ્ચેની હરીફાઈ જેવી હતી જેમાં બેન્ગલૂરુનો કોહલી અને કૅપ્ટન ફાફ ડુ પ્લેસી સફળ થયા, પણ બીજી બાજુ રાજસ્થાનનો યશસ્વી જયસ્વાલ ઝીરોમાં આઉટ થતાં ફરી નિષ્ફળ ગયો, પરંતુ બટલર અને કૅપ્ટન સંજુ સૅમસને (69 રન, 42 બૉલ, બે સિક્સર, આઠ ફોર) રાજસ્થાનની આબરૂ સાચવી લીધી હતી. બટલર-સૅમસન વચ્ચે બીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી જે આ વખતની બીજી વિકેટ માટેની પાર્ટનરશિપ્સમાં હાઈએસ્ટ છે.


રાજસ્થાનના રિયાન પરાગ ચાર રન અને ધ્રુવ જુરેલ બે રન બનાવીને આઉટ થયો હતો. બેન્ગલૂરુ વતી રીસ ટૉપ્લીએ બે તથા સિરાજ અને યશ દયાલે એક-એક વિકેટ લીધી હતી.


બેન્ગલૂરુ ખરેખર તો કોહલીના વન-મૅન શો જેવા પાવરફુલ બૅટિંગ પર્ફોર્મન્સ બાદ નબળી બોલિંગને લીધે હારી ગયું.
એ પહેલાં, કોહલીએ 39 બૉલમાં હાફ સેન્ચુરી અને 67 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી.


શનિવારની આ એકમાત્ર મૅચમાં રાજસ્થાન રૉયલ્સે બૅટિંગ આપ્યા બાદ બેન્ગલૂરુએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 183 રન બનાવ્યા હતા જેમાં કોહલીના અણનમ 113 રન ઉપરાંત કૅપ્ટન ફાફ ડુ પ્લેસીના 44 રન સેક્ધડ-બેસ્ટ હતા. ફૉર્મમાં આવેલા ડુ પ્લેસીએ 33 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી 44 રન બનાવ્યા હતા. તેની અને કોહલી વચ્ચે 125 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી જે આ વખતની આઇપીએલનો નવો વિક્રમ છે. તેમણે પંજાબના શિખર-બેરસ્ટૉની 102 રનની ભાગીદારીનો રેકૉર્ડ તોડ્યો છે. માત્ર ઓપનિંગ પાર્ટનરશિપ નહીં, પણ તમામ વિકેટો માટેની ભાગીદારીઓમાં આ બેસ્ટ છે.


ગ્લેન મૅક્સવેલ (1) અને નવોદિત સૌરવ ચૌહાણ (9) સારું નહોતા રમી શક્યા, જ્યારે કૅમેરન ગ્રીન પાંચ રન બનાવીને અણનમ રહ્યો હતો. રાજસ્થાનના બોલર્સમાં યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ બે વિકેટ તથા નેન્ડ્રે બર્ગરે એક વિકેટ લીધી હતી. સોમવારે વાનખેડેમાં મુંબઈની ટીમના ટોચના ત્રણ બૅટરને ગોલ્ડન ડકમાં (તેમના પ્રથમ બૉલમાં) આઉટ કરનાર ટ્રેન્ટ બૉલ્ટને બેન્ગલૂરુ સામેની મૅચમાં 30 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. અશ્ર્વિન, આવેશ અને રિયાન પરાગને પણ વિકેટ નહોતી મળી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો