યુરોમાંથી રોનાલ્ડોની નિરાશા સાથે એક્ઝિટ, હવે આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પણ પડદો પડી જશે?
હૅમ્બર્ગ: યુરો-2024માંથી શુક્રવારે ક્વૉર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામેના પરાજયને પગલે પોર્ટુગલની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ એ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની આખરી યુરોપિયન ચૅમ્પિયનશિપમાંથી નિરાશા સાથે વિદાય લીધી છે. 39 વર્ષના રોનાલ્ડોની આ વિક્રમજનક છઠ્ઠી યુરો હતી અને એમાંથી વહેલી એક્ઝિટ થયા બાદ હવે તે આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ ટૂંક સમયમાં પૂર્ણવિરામ મૂકી દેશે એવી સૉકરજગતમાં ચર્ચા છે.
રોનાલ્ડોએ પોતે જ જર્મનીમાં રમાતા યુરોના આરંભ પહેલાં જાહેર કર્યું હતું કે આ તેની છેલ્લી યુરો ટૂર્નામેન્ટ છે.
શુક્રવારે પોર્ટુગલ અને ફ્રાન્સ વચ્ચેની ક્વૉર્ટર ફાઇનલ 0-0થી બરાબરીમાં રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલની 3-5થી હાર થઈ હતી.
આ પણ વાંચો: યુરો-2024માં ક્વૉર્ટર ફાઇનલના હરીફો નક્કી થઈ ગયા : જાણો તારીખ અને પ્રસારણના સમય…
રોનાલ્ડો છ યુરોપિયન ચૅમ્પિયનશિપમાં રમનાર યુરોપનો પહેલો જ ફૂટબોલર છે. આ સ્પર્ધાના ઇતિહાસમાં તેણે 30 મૅચમાં જે 14 ગોલ કર્યા છે એ પણ વિક્રમ છે. રોનાલ્ડોને એક વાર યુરોની ટ્રોફી જીતવા મળી છે. 2016માં પોર્ટુગલે યુરોની ફાઇનલમાં યજમાન ફ્રાન્સને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
રોનાલ્ડોના 130 ઇન્ટરનૅશનલ ગોલ વર્લ્ડ રેકૉર્ડ છે. તેની ગણના વિશ્ર્વના મહાન ખેલાડીઓ પેલે, ડિયેગો મૅરડોના અને લિયોનેલ મેસી સાથે થઈ રહી છે, પરંતુ આ ત્રણેય લેજન્ડરી પ્લેયર ફિફા વર્લ્ડ કપ જીત્યા છે, જ્યારે રોનાલ્ડો પોર્ટુગલને વર્લ્ડ કપની ટ્રોફી નથી અપાવી શક્યો.
આ પણ વાંચો: યુરો-2024: ઇંગ્લૅન્ડ બેલિંગમના ગોલથી પહોંચ્યું ક્વૉર્ટરમાં, સ્પેન પણ જીત્યું
રોનાલ્ડોની ઇન્ટરનૅશનલ કરીઅર પર નજીકના ભવિષ્યમાં ઓચિંતો પડદો ન પણ પડે, કારણકે કોર્પોરેટ જગતમાં તેના ઘણી બ્રૅન્ડ્સ સાથે કરાર હોવાથી તે તાત્કાલિક રિટાયરમેન્ટ જાહેરાત ન પણ કરે.