સુઆરેઝ ઉરુગ્વેની ટીમમાંથી નિવૃત્ત, રોનાલ્ડોએ પોર્ટુગલ વતી ફરી રમવાનું શરૂ કર્યું

મૉન્ટેવીડિયો/જીનિવા: ફૂટબૉલજગતમાં છેલ્લા બે દિવસમાં બે મોટા ખેલાડીની કરીઅરમાં નવા વળાંક આવ્યા હતા. 37 વર્ષના પીઢ ખેલાડી લુઇસ સુઆરેઝે ઉરુગ્વેની રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, જ્યારે બીજી બાજુ જગવિખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લાંબા સમય બાદ પોર્ટુગલ વતી કરીઅરની ફરી શરૂ કરી હતી.
પ્રોફેશનલ ફૂટબૉલમાં લિવરપુલ અને બાર્સેલોના વતી રમી ચૂકેલો ફૉર્વર્ડ ખેલાડી સુઆરેઝ ઉરુગ્વેનો ઑલ-ટાઇમ લીડિંગ ગોલ-સ્કોરર છે. તેણે 142 મૅચમાં 69 ગોલ કર્યા છે. તે શુક્રવારે છેલ્લી મૅચ રમશે જે પારાગ્વે સામે રમાશે.
વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગની આ મૅચ રમનાર સુઆરેઝ 2007થી ઉરુગ્વે વતી રમે છે. તેણે પત્રકારોને કહ્યું, ‘હું ઈજાને લીધે નહીં, પણ મારી રીતે નિર્ણય લઈને નિવૃત્ત થઈ રહ્યો છું એનો મને આનંદ છે.’
સુઆરેઝ ચાર વર્લ્ડ કપ માટેની ઉરુગ્વેની ટીમમાં હતો. તે પાંચ કૉપા અમેરિકા ચૅમ્પિયનશિપ રમી ચૂક્યો છે.
હાલમાં પ્રોફેશનલ ફૂટબૉલમાં તે ઇન્ટર માયામી ટીમમાં છે અને એમાં તેનો ખાસ મિત્ર લિયોનેલ મેસી એ ટીમનો કૅપ્ટન છે.
દરમ્યાન ગુરુવારે યુઇફા નૅશન્સ લીગ શરૂ થઈ રહી છે અને એ દિવસે સ્પેન સામે રમાનારી મૅચમાં રોનાલ્ડો પોર્ટુગલ વતી ફરી રમતો જોવા મળશે. રોનાલ્ડોના સુકાનમાં અગાઉ પોર્ટુગલની ટીમ 2019નો નૅશન્સ કપ અને 2016ની યુરો ચૅમ્પિયનશિપમાં ચૅમ્પિયન બની હતી.
રોનાલ્ડો 39 વર્ષનો છે અને ગુરુવારે તે સ્પેનની એવી ટીમ સામે રમશે જેમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ છે જેની સામે રોનાલ્ડોની કસોટી થશે. 2022ના ફિફા વર્લ્ડ કપ દરમ્યાન રોનાલ્ડોને પોર્ટુગલની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. 2024ના યુરોમાં તે એક પણ ગોલ નહોતો કરી શક્યો.
પોર્ટુગલ સામે રમનાર સ્પૅનિશ ટીમમાં ખાસ કરીને 17 વર્ષનો યંગેસ્ટ ખેલાડી લેમિન યમાલ સામેલ છે. 20 વર્ષનો ગાવિ પણ સ્પેનની ટીમમાં છે. રોનાલ્ડો 2004માં પ્રથમ મોટી ફૂટબૉલ ટૂર્નામેન્ટ (યુરો ચૅમ્પિયનશિપ) રમ્યો ત્યારે યમાલ અને ગાવિનો જન્મ પણ નહોતો થયો અને હવે તેઓ બન્ને રોનાલ્ડોને નબળો સાબિત કરવા મેદાને પડશે.