સ્પોર્ટસ

રોનાલ્ડો ગોલ ન કરી શક્યો, પણ તેનાથી 18 વર્ષ નાના ખેલાડીએ પોર્ટુગલને થ્રિલરમાં જિતાડ્યું

લિપ્ઝિગ (જર્મની): યુરો-2024 ફૂટબૉલ સ્પર્ધામાં મંગળવારે ગ્રૂપ-એફમાં પોર્ટુગલે ચેક રિપબ્લિકને 2-1થી હરાવીને આ સ્પર્ધામાં વિજયીઆરંભ કર્યો હતો.

પોર્ટુગલનો સુપરસ્ટાર ખેલાડી 39 વર્ષનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) આ મૅચમાં ગોલ કરવામાં નિષ્ફળ ગયો હતો, પરંતુ તેનાથી 18 વર્ષ નાના ફ્રાન્સિસ્કો કૉન્સિકાઓ (Francisco Conceicao)એ છેક 92મી મિનિટમાં ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી અને તેના એ ગોલને લીધે જ પોર્ટુગલની ટીમ 2-1થી જીતી શકી હતી.

રોનાલ્ડો વિક્રમજનક છઠ્ઠી યુરો સ્પર્ધામાં રમી રહ્યો છે. યુરોપિયન ચૅમ્પિયનશિપ તરીકે ઓળખાતી આ સ્પર્ધા (યુરો)ના ઇતિહાસમાં રોનાલ્ડો તેનો કુલ 14મો ગોલ કરવામાં નિષ્ફળ ગયો હતો.

ખરેખર તો પોર્ટુગલને ચેક રિપબ્લિક તરફથી એક ગોલ બક્ષિસમાં મળ્યો હતો, કારણકે 69મી મિનિટમાં ચેક રિપબ્લિકના રૉબિન રાનાચથી ઑન ગોલ થઈ ગયો હતો. એ ગોલ સાથે બન્ને ટીમ 1-1ની બરાબરીમાં આવી ગઈ હતી, કારણકે 62મી મિનિટમાં ચેક રિપબ્લિકને લુકાસ પ્રોવૉદ ગોલ કરીને 1-0થી સરસાઈ અપાવી ચૂકી હતી.’

આ પણ વાંચો : UEFA Euro-2024 : ઍમ્બાપ્પેનું નાક તૂટ્યું, યુરો-2024માં માસ્ક પહેરીને રમવું પડશે

69મી મિનિટમાં 1-1ની બરાબરી બાદ રસાકસી વધી ગઈ હતી અને રોનાલ્ડોના અનેક પ્રયત્નોને ચેક રિપબ્લિકના ડિફેન્ડર્સે નિષ્ફળ બનાવી દીધા હતા.

જોકે ભૂતપૂર્વ ફૂટબોલર સર્જિયોના 21 વર્ષીય પુત્ર ફ્રાન્સિસ્કાએ 90 મિનિટના મુખ્ય સમય બાદ વધારાની બીજી મિનિટે (કુલ 92મી મિનિટમાં) ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી.

મંગળવારે અન્ય એક મૅચમાં (ગ્રૂપ-એફમાં) ટર્કીનો ર્જ્યોજિયા સામે 3-1થી વિજય થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button