રોહિતસેનાનો રકાસ, ભારતીયો શ્રીલંકા સામે 27 વર્ષે વન-ડે સિરીઝ હાર્યા
કોલંબો: ભારતનો અહીં બુધવારે શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 110 રનના તોતિંગ તફાવતથી પરાજય થતાં રોહિત શર્મા અને તેની ટીમે મોટી નામોશી જોવી પડી હતી. શ્રીલંકાએ બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા ત્યાર બાદ ભારતીય ટીમ એક પણ હાફ સેન્ચુરી વિના 26.1 ઓવરમાં બનેલા 138 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું.
શ્રીલંકાના યુવાન લેફ્ટ-આર્મ સ્પિનર દુનિથ વેલાલાગેએ માત્ર 27 રનમાં પાંચ વિકેટ લીધી હતી. માહીશ થીકશાના અને પાછલી વન-ડેના હીરો અને સ્પિનર જેફરી વૅન્ડરસેએ બે વિકેટ લીધી હતી. રોહિતના 35 રન ટીમમાં હાઈએસ્ટ અને વૉશિંગ્ટન સુંદરના 30 રન સેક્ધડ-બેસ્ટ હતા. ગિલ (6), વિરાટ (20), પંત (6), શ્રેયસ (8), અક્ષર (2) તથા રિયાન પરાગ (15) અને શિવમ દુબે (9) સારું પર્ફોર્મ નહોતા કરી શક્યા
શ્રીલંકાએ ભારત સામે વન-ડે સિરીઝ જીતી હોય એવું છેક 27 વર્ષે બન્યું છે. યોગાનુયોગ, શ્રીલંકા છેલ્લે 1997માં ભારત સામે વન-ડે સિરીઝ (3-0થી) જીત્યું હતું ત્યારે સનથ જયસૂર્યા ઓપનિંગ બૅટર હતો અને મૅન ઑફ સિરીઝ બન્યો હતો. આ વખતે તે શ્રીલંકાની ટીમનો હેડ-કોચ છે.
આ પણ વાંચો: IND vs SL 1st ODI: આ ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓની વાપસી
ગૌતમ ગંભીર ભારતનો હેડ-કોચ બન્યો છે અને તેના કોચિંગમાં ભારતે સૂર્યકુમાર યાદવના સુકાનમાં શ્રીલંકા સામે ટી-20 સિરીઝ જીતી ત્યાર બાદ હવે રોહિતના સુકાનમાં વન-ડે શ્રેણીમાં 0-2થી પરાજય જોયો છે.
એ પહેલાં, શ્રીલંકાની ઇનિંગ્સમાં રિયાન પરાગ (જેનું વન-ડેમાં ડેબ્યૂ હતું)એ ત્રણ વિકેટ લીધી હતી. સિરાજ, અક્ષર, કુલદીપ અને સુંદરને એક-એક વિકેટ મળી હતી.
96 રન બનાવનાર ઓપનર અવિષ્કા ફર્નાન્ડોને મૅન ઑફ ધ મૅચનો અને શ્રેણીમાં કુલ સાત વિકેટ લેવા ઉપરાંત 108 રન બનાવનાર વેલાલાગેને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.