Team India આવા તોફાનમાં ફસાઈ હતી, રોહિત શર્માની પત્નીએ શેર કરી ભયાનક તસવીરો
નવી દિલ્હીઃ આજે આખો દેશ ફરી ઉજવણીના મૂડમાં છે કારણ કે ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે દિલ્હી આવી ચૂકી છે અને સાંજે મુંબઈમાં રૉડ શૉ કરશે. T20 વર્લ્ડ કપ 2024માં યાદગાર જીત બાદ ભારતીય ટીમ બેરિલ સ્ટોર્મના કારણે થોડા દિવસો માટે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 29 જૂને બાર્બાડોસમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટ્રોફી કબજે કર્યાના બીજા જ દિવસે ભારત જવા રવાના થઈ હતી. પરંતુ વાવાઝોડાની તીવ્રતા જોતા ખેલાડીઓએ ત્યાં જ રહેવું પડ્યું. જો કે, એકવાર હવામાન સાફ થઈ ગયા પછી, ટીમ પાછી આવી છે.
ટીમ ઈન્ડિયા ઘરની ધરતી પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે, પરંતુ કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે શેર કરેલી કેટલીક તસવીરો જોઈને બેરિલ સ્ટોર્મની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.
રિતિકાએ તસવીરો શેર કરી છે. તે તસવીરોમાં જોઈ શકાય છે કે વાવાઝોડાની અસર દરિયાઈ જીવો પર પણ પડી હતી. તેણે કેટલીક મૃત માછલીઓ અને કાચબાના ઈંડાની તસવીરો શેર કરી છે. આ જીવો તોફાનનો ભોગ બનીને કિનારે આવ્યા હતા. જેના કારણે તેનું મોત થયું હતું.
ભારતીય ટીમને એર ઈન્ડિયાના વિશેષ વિમાન બોઈંગ 777 દ્વારા રાજધાની દિલ્હી લાવવામાં આવી છે. જેમાં ખેલાડીઓની સાથે સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની પત્નીઓએ પણ ભાગ લીધો હતો.
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ શનિવારે (29 જૂન) રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને ફાઇનલ મેચમાં સાત રનથી હરાવીને ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. તેમની જીત દેશ માટે દિવાળીની ઉજવણી જેવી જ રહી.