ફાઇનલ થઈ ગયું, રોહિત પ્રથમ ટેસ્ટમાં નહીં રમેઃ ટીમ વિશેના ફેરફારોનું લેટેસ્ટ જાણી લો…
પર્થઃ ભારતીય ટેસ્ટ ટીમનો કૅપ્ટન રોહિત શર્મા બીજી વાર પિતા બન્યો હોવાથી હજી થોડા દિવસ પરિવાર સાથે જ રહેવા માગે છે એટલે બાવીસમી નવેમ્બરે પર્થમાં ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પહેલી ટેસ્ટમાં નહીં રમે અને ઍડિલેઇડની બીજી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ જશે. દરમ્યાન, કેએલ રાહુલ પહેલી ટેસ્ટમાં રમવા માટે ફિટ થઈ ગયો છે અને યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગમાં રમશે.
બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં કુલ પાંચ ટેસ્ટ રમાવાની છે. શુભમન ગિલ પ્રૅક્ટિસ દરમ્યાન ડાબા હાથના અંગૂઠામાં ફ્રૅક્ચર થવાને કારણે પહેલી ટેસ્ટમાં નહીં રમે.
આ પણ વાંચો: બીસીસીઆઇએ ઑસ્ટ્રેલિયન ટૂર માટે ટીમ ઇન્ડિયાની નવી ટ્રેઇનિંગ કિટ ગૂપચૂપ લૉન્ચ કરી!
રોહિત પર્થની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે એટલે વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહને એ ટેસ્ટમાં નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
કેએલ રાહુલને થોડા દિવસ પહેલાં પર્થમાં પ્રૅક્ટિસ દરમ્યાન ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાનો બૉલ કોણી પર વાગ્યો હતો.
હવે રાહુલ ફિટ થઈ ગયો છે અને ટેસ્ટમાં રમવા માટે પૂરેપૂરો તૈયાર છે. રવિવારે પર્થમાં તેણે રાબેતામુજબ બૅટિંગ કરી હતી તેમ જ ત્રણ કલાકના પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન તમામ પ્રકારના ડ્રિલમાં તેણે ભાગ લીધો હતો.
આ પણ વાંચો: વિરાટ કોહલી વિરુદ્ધ સ્ટીવ સ્મિથ, માઇન્ડ ગેમ અત્યારથી શરૂ
હેડ-કોચ ગૌતમ ગંભીરે ઑસ્ટ્રેલિયા જવા રવાના થતાં પહેલાં મુંબઈમાં પત્રકારોને સંકેત આપતા કહ્યું હતું કે રોહિત પ્રથમ ટેસ્ટમાં નહીં રમે તો રાહુલને બૅટિંગ-ઑર્ડરમાં પ્રમોટ કરવામાં આવશે.' ટીમના ફિઝિયો કમલેશ જૈને રવિવારે એક વીડિયોમાં જણાવ્યું કે
રાહુલને સારવાર બાદ હવે ઘણું સારું છે. નસીબજોગે રાહુલને કોણીમાં ફ્રૅક્ચર નથી થયું. તે પ્રથમ ટેસ્ટ પહેલાં પૂરો ફિટ થઈ જશે.’
કમલેશ જૈનના સહાયક ફિઝિયો યોગેશ પરમારે જણાવ્યું, `હું રાહુલને સ્કૅન અને એક્સ-રે માટે લઈ ગયો હતો અને એના રિપોર્ટ પરથી મને ખાતરી થઈ ગઈ કે રાહુલ પહેલી ટેસ્ટ પહેલાં પૂરેપૂરો સાજો થઈ જશે. માત્ર તેના દુખાવાને કાબૂમાં લેવાનો છે. હી ઇઝ ઍબ્સ્યૉલ્યૂટલી ફાઇન.’