રોહિતે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પછી ટેસ્ટ છોડી, હવે કાંગારુંઓ સામેની વન-ડેથી મેદાન પર કમબૅક
હિટમૅને થકવી નાખતી બ્રૉન્કો ટેસ્ટ આપવી પડશે, સેંકડો મીટર દોડવું પડશે

બેંગલૂરુઃ રોહિત શર્મા (Rohit Sharma)એ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં ભારતને ટ્રોફી અપાવ્યા પછી ટી-20 આંતરરાષ્ટ્રીયને તિલાંજલી આપી હતી અને આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા ખાતેના નિરાશાજનક ટેસ્ટ-પ્રવાસ પછી ટેસ્ટના ફૉર્મેટને ગુડબાય કરી હતી, પરંતુ તેણે વન-ડે ફૉર્મેટ હજી નથી છોડ્યું અને એના દ્વારા મેદાન પર કમબૅક કરતાં પહેલાં તેણે બ્રૉન્કો ટેસ્ટ (Bronco test) આપવી પડશે.

શું છે આ બ્રૉન્કો ટેસ્ટ?
ક્રિકેટ ટીમ માટેની બ્રૉન્કો ટેસ્ટમાં ખેલાડીઓએ શટલ રનિંગ કરવાનું હોય છે અને એ પણ બ્રેક વિના. ક્રિકેટરે પહેલાં 20 મીટર, 40 મીટર અને પછી 60 મીટર કોઈ પણ પ્રકારના બ્રેક વિના સતત દોડવું પડે છે. એક સેટમાં ત્રણ દોડ હોય છે અને પ્રત્યેક ખેલાડી માટે આવા પાંચ સેટ રાખવામાં આવે છે. ટૂંકમાં, ખેલાડીએ અટક્યા વગર 1200 મીટર દોડવું પડે છે અને પાસ થવા માટે તેણે છ મિનિટની અંદર આ અંતર પૂરું કરવું પડે છે. આ પરીક્ષાથી ખેલાડીના સ્ટેમિના, શારીરિક શક્તિ અને ઝડપ માપવામાં આવે છે.
આ પણ વાંચો: સદી પૂરી કરવા યશસ્વીને રોહિત શર્માએ આપ્યું હતું પ્રોત્સાહન; સ્ટેન્ડમાંથી કર્યો હતો આવો ઈશારો
અગાઉ યોયો, હવે બ્રૉન્કો
અગાઉ ક્રિકેટરો માટે યોયો ટેસ્ટ રાખવામાં આવતી હતી, પણ હવે બ્રૉન્કો ટેસ્ટ આપવી પડે છે. ભારતની આગામી વન-ડે સિરીઝ ઑસ્ટ્રેલિયા સામે રમાશે અને ત્યારથી રોહિત ફરી મેદાન પર જોવા મળશે. જોકે એ પહેલાં તેણે તેમ જ બીજા ઘણા ખેલાડીઓએ બ્રૉન્કો ટેસ્ટમાં પાસ થવું પડશે.
રોહિત છેલ્લે જૂનમાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો જેમાં તેના સુકાનમાં ભારતે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રોહિતની જેમ વિરાટ કોહલી પણ માત્ર વન-ડેમાં રમતો જોવા મળશે.
દરમ્યાન, રોહિત શર્મા શનિવારે બેંગ્લૂરુમાં બીસીસીઆઈના સેન્ટર ઑફ એક્સેલન્સના મેદાન પર જોવા મળ્યો હતો.