T20 વર્લ્ડ કપ પહેલા રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય, છેલ્લા 5 મેચમાં 6,8,4,11 અને 4 રન બનાવ્યા

મુંબઈ: જુન મહિનામાં યુએસ અને વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2024 માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, રોહિત શર્મા ફરી એક વાર ICC ઇવેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે. એ પહેલા ભારતીય ક્રિકેટ ચાહકોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. આ ચિંતાનું કારણ કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રોહિત શર્મા 5 મેચમાં ફ્લોપ રહ્યો છે. રોહિતે સિઝનની સારી શરૂઆત કરી હતી, પરંતુ હવે તે રણ બનવવા સંઘર્ષ કરી રહ્યો છે. રોહિતે છેલ્લી 5 ઇનિંગ્સમાં માત્ર 33 રન જ બનાવ્યા છે.
રોહિત શર્માનું ખરાબ ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર છે. રોહિત T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે ઓપનિંગ કરતો જોવા મળશે. ODI વર્લ્ડ કપ 2023ની જેમ, ટીમને રોહિત પાસેથી શાનદાર શરૂઆતની જરૂર છે. જો રોહિત ફોર્મ પરત નહીં મેળવી શકે તો T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની હાલત IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ જેવી હાલત થવાનો ભય છે.
રોહિત શર્માએ IPL 2024ની શાનદાર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ સાત મેચમાં ઘણા રન બનાવ્યા હતા. એક સદી પણ ફટકારી હતી, તે ઓરેન્જ કેપની રેસમાં હતો. તેણે શરૂઆતની 7 મેચમાં 297 રન બનાવ્યા હતા. તે પછીની 5 મેચમાં માત્ર 33 રન જ બનાવી શક્યો. આ 5 મેચમાં તેની એવરેજ 6.6 રહી છે. સ્ટ્રાઈક રેટ 92 ની રહી છે. તે 5 માંથી 4 ઇનિંગ્સમાં સિંગલ ડિજિટમાં આઉટ થયો હતો.
સતત દોઢ મહિનો IPLમાં ક્રિકેટ રમ્યા બાદ થાકેલા ખેલાડીઓ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકશે કે નહીં એ અંગે પણ ક્રિકેટ રસિકો સવાલ ઉઠાવી રહ્યા છે.