…તો રોહિત શર્મા બાર્બેડોઝના દરિયામાં ઝંપલાવશે: જુઓ રમૂજમાં આવું કોણે કહ્યું
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપને આજે ચૅમ્પિયન તરીકે પહેલી વાર અજેય ટીમ મળશે. ભારત અને સાઉથ આફ્રિકા આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. સાઉથ આફ્રિકાને પહેલી જ વાર ક્રિકેટના વર્લ્ડ કપની ટ્રોફી મળે એમ છે, પરંતુ રોહિતસેના પણ કંઈ કમ નથી. આજે રોહિત શર્માના સુકાનમાં ટીમ ઇન્ડિયા ચૅમ્પિયન બનશે તો 2011ના વર્લ્ડ કપ પછીની ભારતની એ પહેલી જ ટ્રોફી કહેવાશે અને ભારતની મજબૂત ટીમ જોતાં આ ટાઇટલ મળવું સંભવ છે. સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ કેપ્ટન રોહિત શર્મા વિશે રમૂજી કમેન્ટ કરી છે.
છેલ્લા 12 મહિનામાં ભારત ત્રણ આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે જેમાંની બે ફાઇનલમાં હારી ગયું છે અને ત્રીજી ફાઇનલ આજે રમાવાની છે. 2023માં ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે અને એ પછી ઘરઆંગણે વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે જ પરાજય થયો હતો.
આજે ભારતે સાઉથ આફ્રિકાની મજબૂત ટીમ સામે રમવાનું છે. જોકે આજે ભારતીય ટીમ સાથે સત્તાવાર રીતે છેલ્લો દિવસ વીતાવનાર હેડ-કોચ રાહુલ દ્રવિડે બહુ સરસ કહ્યું છે, ‘ટીમ ઇન્ડિયાના સુપર પર્ફોર્મન્સની સાતત્યતા તો જુઓ! 12 મહિનામાં આપણે ત્રીજી આઇસીસી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યા. બે ફાઇનલ ન જીતી શક્યા, પણ આશા રાખીએ કે આ ત્રીજી ફાઇનલ જીતી જઈશું.’ ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને સેમિ ફાઇનલમાં 68 રનથી કચડીને ફાઇનલમાં આવ્યું હોવાથી આજે ભારતના જીતવાના વધુ ચાન્સ છે.
| Also Read: ‘કોહલી આજે ચોક્કસપણે 100 રન ફટકારશે…’ ક્રિકેટ નિષ્ણાતોની આગાહી
2003ની વન-ડે વર્લ્ડ કપમાં અદ્ભુત પર્ફોર્મન્સ સાથે ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમે છેવટે એ નિર્ણાયક મુકાબલામાં ઑસ્ટ્રેલિયા સામે હાર જોવી પડી હતી એ ભારતીય ટીમના કૅપ્ટન સૌરવ ગાંગુલીએ રોહિત શર્મા વિશે ખૂબ ચોંકાવનારી રમૂજ કરી છે. નવેમ્બર, 2023માં રોહિતના સુકાનમાં ભારત વન-ડેનો વર્લ્ડ કપ હારી ગયું હતું અને હવે તેના નેતૃત્વમાં બીજી ફાઇનલ રમાવાની છે.
ગાંગુલીએ પીટીઆઇ સાથેની વાતચીતમાં 36 વર્ષીય કૅપ્ટન રોહિત શર્મા વિશે કહ્યું, ‘હું નથી માનતો કે રોહિત શર્મા સાત મહિનામાં બે વર્લ્ડ કપની ફાઇનલ હારી જાય. હું તો કહું છું કે જો તેની કૅપ્ટન્સીમાં સાત મહિનાની અંદર રમાનારી આ બીજી ફાઇનલ પણ ટીમ ઇન્ડિયા હારી જશે તો રોહિત બાર્બેડોઝના દરિયામાં કૂદકો જ મારી દેશે! તેણે આ ટૂર્નામેન્ટમાં કમાલની કૅપ્ટન્સી કરી દેખાડી છે અને તેની બૅટિંગ પણ બહુ સારી રહી છે. આશા રાખું છું કે તેનો આ પર્ફોર્મન્સ આજે ફાઇનલમાં પણ જળવાશે.’