ગત ડિસેમ્બરમાં મુંબઈ ઈન્ડિયન્સ(MI)એ હાર્દિક પંડ્યા(Hardik Pandya)ને નવો કેપ્ટન જાહેર કર્યા બાદથી ટીમના ઘણા સમર્થકો નિરાશ છે. જાહેરાત બાદથી જ MI અને ખાસ કરીને રોહિત શર્મા(Rohit Sharma)ના ચાહકો હાર્દિકને ટ્રોલ કરી રહ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની આ સિઝન શરૂ થઇ ત્યારથી MIની દરેક મેચમાં સ્ટેડીયમમાં હાજર દર્શકો હાર્દિકનો હુરિયો બોલાવી રહ્યા છે. એવામાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આવતા વર્ષે રોહિત શર્મા ચેન્નઈ સુપર કિંગ(CSK)ની પીળી જર્સીમાં રમતો જોવા મળી શકે છે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા મુજબ મહેન્દ્ર સિંહ ધોની ઘૂંટણની સમસ્યાને કારણે આ સિઝન પત્યા બાદ નિવૃત્તિ જાહેર કરી શકે છે. મહેન્દ્રસિંહ ધોનીએ આ વર્ષે લીગ શરૂ થાય તે પહેલા રુતુરાજ ગાયકવાડ CSKની કેપ્ટન્સશિપ સોંપી હતી. ટીમમાંથી એક દિગ્ગજની વિદાય બાદ ટીમ કોઈ અન્ય દિગ્ગજ ખેલાડીની શોધમાં રહેશે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવું છે કે જો ચાહકોની થિયરી ખરેખર સાચી થાય તો તેને આશ્ચર્ય નહીં થાય. એક યુટ્યુબર સાથેના ઈન્ટરવ્યું સાથે વોને કહ્યું કે“શું રોહિત શર્મા ચેન્નઈ જશે? ધોનીનું સ્થાન લેશે? ગાયકવાડ આ વર્ષે કેપ્ટન્સી કરી રહ્યો છે, અને તે આવતા વર્ષે રોહિત માટે સ્થાન હોલ્ડ કરી રાખવા માટે છે, હું રોહિતને ચેન્નઈની ટીમમાં જોઈ શકું છું.”
વોને એમ પણ કહ્યું હતું કે હું દ્રઢપણે મનુ છું કે આ સિઝનમાં હાર્દિકના આગમન છતાં રોહિતે તેની કેપ્ટનશિપ જાળવી રાખવી જોઈતી હતી. ઓલરાઉન્ડરને કેપ્ટનશીપના દબાણ વિના રમવાની છૂટ આપવી જોઈએ.
તેણે કહ્યું કે “હાર્દિક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, અને તે તેની ભૂલ નથી. તેને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનવા માટે કહેવામાં આવ્યું છે; કોણ ના પડી શકે? તેને એક એવી જવાબદારી આપવામાં આવી છે જે દરેક ભારતીય ક્રિકેટર ઈચ્છે છે.”
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી તગડા હરીફો રહ્યા, કારણ કે બંને ટીમો IPLના ઈતિહાસની સૌથી સફળ ટીમો રહી છે. CSK અને MI બંનેએ પાંચ-પાંચ ટાઇટલ જીત્યા છે. બંને ટીમના ટાઈટલ્સ એક જ કેપ્ટન એમએસ ધોની અને રોહિત શર્માની આગેવાની હેઠળ આવ્યા આવ્યા છે.