વિરાટની જર્સીમાં સજ્જ બાળ-ચાહક રોહિતને પગે લાગવા આવ્યો, હિટમૅને પીઠ થાબડીને તેને માનપૂર્વક પાછો મોકલ્યો

જયપુરઃ સચિન તેન્ડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી પછી હવે રોહિત શર્માને પણ ભારતીય ક્રિકેટ ચાહકોમાં જાણે ` ભગવાનની પદવી’ મળી રહી હોય એવું લાગે છે. બુધવારે જયપુર (Jaipur)માં વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં સિક્કિમ સામે રોહિત શર્માએ 94 બૉલમાં નવ સિક્સર અને અઢાર ફોરની મદદથી 155 રન કરીને મુંબઈને શાનદાર વિજય અપાવ્યો ત્યાર બાદ મેદાન પર એક બાળક દોડી આવ્યો હતો અને રોહિતને પગે લાગવા ગયો ત્યારે રોહિતે તેને રોક્યો હતો અને તેની પીઠ થાબડીને માનપૂર્વક અને વહાલપૂર્વક તેને પાછો મોકલ્યો હતો.

રોહિતે 155 રન બનાવીને જિતાડ્યા
મુંબઈએ આ મૅચ 117 બૉલ બાકી રાખીને આઠ વિકેટે જીતી લીધી હતી. મૅચ બાદ બન્ને ટીમના ખેલાડીઓ એકમેકને મળી રહ્યા હતા ત્યારે અચાનક આ બાળક રોહિત (Rohit) પાસે દોડી આવ્યો હતો. તે રોહિતને પગે લાગવા વાંકો વળ્યો હતો, પણ ત્યારે રોહિતે તેને રોકી લીધો હતો અને વહાલપૂર્વક પાછા જતા રહેવા તેને કહ્યું હતું. શાંત સ્વભાવનો રોહિત શર્મા વિનમ્રતા માટે જાણીતો છે.
Rohit Sharma hugged a young fan as the fan was going to touch the feet of Ro [Prabhat Khabar]
— Johns. (@CricCrazyJohns) December 25, 2025
– Nice gesture by Rohit Sharma. pic.twitter.com/N48iJGbxiF
એક દિગ્ગજના ટી-શર્ટમાં, બીજા મહારથીને મળ્યો
આ બાળક વિરાટ કોહલીનો પણ ફૅન છે અને તેણે વિરાટના નામવાળું જર્સી પહેર્યું હતું. ટૂંકમાં, તે એક દિગ્ગજના નામવાળા ટી-શર્ટમાં સજ્જ થઈને બીજા દિગ્ગજને મળ્યો અને આ મિલનની પળો એ બાળક જિંદગીભર નહીં ભૂલે.
પિન્ક સિટી બન્યું ક્રિકેટમય
બુધવારની મૅચ જયપુરમાં હોવાથી આ પિન્ક સિટીમાં સર્વત્ર ક્રિકેટનો માહોલ હતો. આ જ શહેરમાં શુક્રવારે મુંબઈ વિરુદ્ધ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર વિરુદ્ધ સિક્કિમ, ગોવા વિરુદ્ધ હિમાચલ પ્રદેશ તથા છત્તીસગઢ વિરુદ્ધ પંજાબની મૅચ રમાવાની છે.
` મુંબઈચા રાજા, રોહિત શર્મા’
સિક્કિમ (SIKKIM) સામેની મૅચ વખતે સ્ટેડિયમમાં મુંબઈ તરફી ઘણા ક્રિકેટપ્રેમીઓ હતા અને એમાંના એક વર્ગના લોકો જ્યારે રોહિત શર્મા બાઉન્ડરી લાઇનની નજીક ફીલ્ડિંગ માટે આવ્યો ત્યારે ` મુંબઈચા રાજા, રોહિત શર્મા’ના સૂત્રો પોકારીને વાતાવરણને સંગીન બનાવી દીધું હતું. રોહિત હળવા સ્મિત સાથે તેમનું અભિવાદન કર્યું હતું.



