વાનખેડેમાં મારા જ નામના સ્ટૅન્ડ સામે રમીને હું જુદા જ આનંદનો અનુભવ કરીશઃ રોહિત…

મુંબઈઃ ભારતના બૅટિંગ-લેજન્ડમાં ગણાતા અને વન-ડે ફૉર્મેટમાં હજી પણ ભારતીય ટીમના કૅપ્ટન બની રહેલા રોહિત શર્મા (ROHIT SHARMA)એ શુક્રવારે સાંજે અહીં વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં એક સ્ટૅન્ડને પોતાનું નામ આપવામાં આવ્યું એ બદલ અનેરો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીં મારા જ નામે બનેલા સ્ટૅન્ડ સામે ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને રમવામાં હું જુદા જ આનંદનો અનુભવ કરીશ.’ મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA) દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં ત્રણ સ્ટૅન્ડને નવા નામ આપવામાં આવ્યા છે.

એક સ્ટૅન્ડને બીસીસીઆઇના ભૂતપૂર્વ ચીફ શરદ પવારનું નામ, બીજા સ્ટૅન્ડને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અજિત વાડેકરનું નામ અને ત્રીજા સ્ટૅન્ડને રોહિત શર્માનું નામ આપવામાં આવ્યું છે. હિટમૅન’ રોહિતે શુક્રવારે સાંજના સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે અહીં આજે જે કંઈ બન્યું એની મેં કલ્પના પણ નહોતી કરી. કોઈ પણ ખેલાડી અનેક સિદ્ધિઓ મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે, પણ આ અવસર અનેરો અને સ્પેશિયલ જ કહેવાય, કારણકે વાનખેડે આઇકૉનિક સ્ટેડિયમ છે અને અહીં મારી અનેક યાદો સમાયેલી છે.
અહીં અનેક મહાન લોકો સાથે મારું નામ પણ લખાયું એ મારા માટે બહુ મોટી વાત છે. આ પ્રસંગ મારા માટે વધુ સ્પેશિયલ હોવાનું કારણ એ પણ છે કે હું હજી પણ ક્રિકેટ રમું છું. હું બે ફૉર્મેટ (ટી-20 અને ટેસ્ટ)માંથી નિવૃત્ત થઈ ગયો છું, પણ હજી એક ફૉર્મેટ (વન-ડે)માં રમવાનું મેં ચાલુ રાખ્યું છે.’ રોહિતે એક સ્ટૅન્ડને પોતાનું નામ આપવામાં આવ્યું એ બાબતમાં એવું પણ જણાવ્યું હતું કે હું અહીં ઉપસ્થિત તમામ લોકોનો આભાર માનું છું. મારા માટે આ પળો સ્પેશિયલ છે. મારા માટે આ બધુ કરવામાં આવશે એ મેં ક્યારેય નહોતું ધાર્યું.

હું તો અહીં (વાનખેડેમાં) ક્રિકેટ રમવા આવ્યો હતો, મુંબઈ વતી રમવા આવ્યો હતો, દેશ વતી રમવા આવ્યો હતો. મેં પણ હંમેશાં અન્ય ખેલાડીઓની માફક સર્વશ્રેષ્ઠ ક્ષમતાથી પર્ફોર્મ કરવાનો પ્રયાસ કર્યો છે. હું આ મેદાન પર મારા જ નામના સ્ટૅન્ડ સામે રમીશ ત્યારે મારા માતા-પિતા, પત્ની, બાળકો બધા અહીં મોજુદ હશે એ અવસર પણ મારા માટે અપ્રતિમ હશે.’
રોહિત શર્માએ આ અસાધારણ પ્રસંગે માતા-પિતાને તેમ જ પત્ની રિતિકાને સ્ટેજ પર આમંત્રિત કર્યા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના મુખ્ય નેતા શરદ પવારે રોહિતના માતા-પિતાના શુભહસ્તે રોહિત શર્માના નામના સ્ટેડિયમનું ઉદઘાટન કરાવ્યું હતું. આ પ્રસંગે એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇક તેમ જ અન્ય હોદ્દેદારો અને મહેમાનો પણ ઉપસ્થિત હતા.
આપણ વાંચો : રોહિત શર્મા મળ્યો ફડણવીસનેઃ ક્રિકેટનો હિટમૅન રાજકારણમાં આવી રહ્યો છે કે શું?