રોહિત શર્મા કહે છે, ‘અમારો પણ ટાઇમ આવશે’
હૈદરાબાદ: ભારત છેલ્લા એક દાયકાથી આઇસીસીની એક પણ મોટી ટ્રોફી નથી જીતી શક્યું. નવેમ્બરમાં ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં હાથમાં આવી રહેલી ટ્રોફી ઑસ્ટ્રેલિયાએ ફાઇનલ જીતીને છીનવી લીધી હતી. જોકે કૅપ્ટન રોહિત શર્માનું દૃઢપણે માનવું છે કે ‘ભારતનો પણ સમય આવશે.’
ભારત છેલ્લે 2013માં એમએસ ધોનીની કૅપ્ટન્સીમાં ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું ત્યાર પછી મોટી ટ્રોફી ભારતને વારંવાર હાથતાળી આપતી આવી છે. રોહિતે આઇસીસીની મોટી પ્રતિષ્ઠિત ટ્રોફીથી ભારતીય ટીમ હવે બહુ દૂર નથી એવા જ અર્થમાં કહી રહ્યો હતો. તેણે ઇંગ્લૅન્ડ સામે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ શરૂ થઈ એ પહેલાં જિયોસિનેમા સાથેની વાતચીતમાં કહ્યું, ‘ભારતીય ટીમે છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબ જ સારું પર્ફોર્મ કર્યું છે. અમે આઇસીસીની ફાઇનલ્સ સિવાય બીજું બધુ જ જીત્યા છીએ. જોકે અમારો ટાઇમ આવશે જ્યારે અમારા હાથમાં ફરી આઇસીસીની ટ્રોફી જોવા મળશે. અમારા બધાની એના પર પૂરી એકાગ્રતા છે.’
2014ના ટી-20 વર્લ્ડ કપમાં ભારત રનર-અપ હતું, 2015ના વન-ડે વર્લ્ડ કપમાં ભારત સેમિ ફાઇનલમાં બહાર થઈ ગયું હતું, 2016ના ટી-20 વર્લ્ડ કપમાં અને 2019ના વન-ડે વિશ્ર્વકપમાં પણ એવું જ બન્યું હતું. 2017ની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત પરાજિત થયું હતું અને 2022ના ટી-20 વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પરાજય જોવો પડ્યો હતો. ટેસ્ટના વર્લ્ડ કપ (ડબ્લ્યૂટીસી)ની બંને ફાઇનલમાં પણ ભારત હાર્યું હતું.