IND vs ENG: ત્રીજા દિવસે કેપ્ટન રોહિત ફિલ્ડિંગ માટે મેદાનમાં ન આવ્યો, BCCIએ જણાવ્યું કારણ

ધરમશાલા: ઇંગ્લેન્ડ સામે ધર્મશાલામાં ચાલી રહેલી પંચમી ટેસ્ટ(INDvsENG 5th Test)ના ત્રીજા દિવસે કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો ન હતો. BBCIએ સોશિયલ મીડિયા પર રોહિતની મેદાન પર ગેરહાજરી અંગે જાણકારી આપી છે. BCCIના જણાવ્યા મુજબ રોહિતને પીઠમાં ખેંચાણ હોવાથી ફિલ્ડીંગ માટે મેદાન પર આવ્યો ન હતો.
BCCIએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી છે. BCCIએ લખ્યું કે, કેપ્ટન રોહિત શર્મા પીઠની સમસ્યાને કારણે ત્રીજા દિવસે મેદાનમાં ઉતર્યો નથી. રોહિતની ગેરહાજરીમાં જસપ્રિત બુમરાહ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
રોહિતે ટીમ ઈન્ડિયા માટે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. રોહિતે 162 બોલમાં 103 રન બનાવ્યા હતા. રોહિતની આ ઇનિંગમાં 13 ફોર અને 3 સિક્સ સામેલ હતી. રોહિત અને શુભમન ગિલ વચ્ચે 171 રનની પાર્ટનરશીપ થઇ હતી. શુભમને પણ સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયા મેચના ત્રીજા દિવસે ઓલઆઉટ થઇ ગઈ હતી, ભારતે પ્રથમ ઇનિંગમાં 477 રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમને 150 બોલમાં 110 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલે 65 રનનું યોગદાન આપ્યું હતું. સરફરાઝ ખાને 56 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવે 69 બોલમાં 30 રન બનાવ્યા હતા. જ્યારે જસપ્રીત બુમરાહે 64 બોલમાં 20 રન બનાવ્યા હતા. બુમરાહે પણ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા રવિન્દ્ર જાડેજા અને ધ્રુવ જુરેલ 15-15 રન બનાવીને આઉટ થયા હતા.
ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 218 રન બનાવ્યા હતા, ભારતને 259ની લીડ મળી ચુકી છે. ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ માટે બેટિંગ કરી રહી છે, બીજી ઈનિંગમાં પણ ઈંગ્લીશ બેટ્સમેન ભારતીય સ્પિનર સામે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.