સ્પોર્ટસ

રોહિતે જિમમાં વર્કઆઉટ રોક્યું અને ` આજ મેરે યાર કી શાદી હૈ’ ગીતની ધૂન પર નાચવા લાગ્યો!

મુંબઈઃ વન-ડે ક્રિકેટમાં 264 રનનો વ્યક્તિગત વિશ્વવિક્રમ રચવા ઉપરાંત આ ફૉર્મેટમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma) મેદાન પર હરીફ ટીમના બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરવા માટે જાણીતો છે, પરંતુ કૅપ્ટન તરીકે તેણે સાથીઓની વચ્ચે હંમેશાં વિનમ્રતા જાળવી હતી અને અંગત જીવનમાં પણ તે ` ડાઉન ટૂ અર્થ’ તરીકે ઓળખાય છે અને તાજેતરમાં તેણે એક અજાણ્યા યુવાનના લગ્ન વખતે હિન્દી ગીતની ધૂન પર નાચીને નિખાલસ ભાવવાળી મિત્રતાની ઝલક આપી હતી.

વાત એવી છે કે રોહિત એક જિમ્નેશ્યમ (Gym)માં વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે નજીકમાં લગ્નના સમારોહ માટેના મેદાનમાં વર-વધૂ વેડિંગ ફોટો-શૂટ (photo shoot) કરાવી રહ્યા હતા. રોહિતે બારીમાંથી તેમના જોયા પછી વર્કઆઉટ રોકી દીધું અને પછી તેણે તરત જ પોતાના સ્પીકરમાં ` આજ મેરે યાર કી શાદી હૈ’ ગીત સેટ કર્યું હતું અને એની પ્રખ્યાત ધૂન પર (હાથમાં સ્પીકર લઈને) નાચવા લાગ્યો હતો. રોહિતે નાચતાં-નાચતાં બારીમાંથી ઇશારાથી વરરાજાને અભિનંદન અને શુભેચ્છા પણ આપ્યા હતા જેની પ્રતિક્રિયામાં વરરાજાએ બે હાથ જોડીને રોહિતનો આભાર માન્યો હતો.

આપણ વાચો: ઑસ્ટ્રેલિયામાં ફરી રમવા ન પણ આવુંઃ રોહિત શર્મા

1977માં શત્રુઘ્ન સિંહા અભિનિત આદમી સડક કા’ નામની હિન્દી ફિલ્મ આવી હતી જેમાં વર્મા મલિક દ્વારા લિખિત અને રવિના સંગીતમાં મહાન ગાયક મોહમ્મદ રફીએ આજ મેરે યાર કી શાદી હૈ’ ગીત ગાયું હતું જે ખૂબ લોકપ્રિય થયું હતું.

ભારતમાં સામાન્ય રીતે દરેક લગ્નપ્રસંગે બૅન્ડ-બાજાવાળા દ્વારા દાયકાઓ જૂના આ ગીતની ધૂન અચૂક વગાડવામાં આવે છે અને યુવાનો એ ધૂન પર નાચે છે. રોહિત શર્મા પણ મૈત્રીભાવ રોકી નહોતો શક્યો અને તેણે જિમ્નેશ્યમમાંથી આ ફેમસ ગીત પર નાચીને સૌને ચોંકાવી દીધા હતા.

રોહિતે આ મશહૂર ગીત પર ડાન્સ કરીને દૂલ્હાને શુભેચ્છા આપી એ જોઈને દુલ્હન પણ આનંદિત હતી અને તેણે દુલ્હાને કહ્યું, ` યે તો મોમેન્ટ હો ગયા’ (આ ક્ષણ તો આપણા માટે યાદગાર બની ગઈ).

રોહિતની આ મજાની મસ્તીવાળો ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રોહિત હવે માત્ર વન-ડે ફૉર્મેટમાં અને આઇપીએલમાં જ રમે છે અને વર્ષ દરમ્યાન મોટા ભાગનો સમય પરિવાર સાથે માણે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button