મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે આઇપીએલ-2024ની પંચાવનમી મૅચમાં પહેલા હાર્દિક પંડ્યા અને પીયૂષ ચાવલાએ ત્રણ-ત્રણ વિકેટનો તરખાટ મચાવ્યો અને પછી સૂર્યકુમાર યાદવે 51 બૉલમાં છ સિક્સર, બાર ફોરની મદદથી અણનમ 102 રન ખડકી દઈને મુંબઈ ઇન્ડિયન્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનથી વિજય અપાવ્યો.
જોકે પાંચ વખત ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની બાર મૅચમાં આ ચોથી જ જીત હતી જે પ્લે-ઑફ માટે ખૂબ જ અપૂરતી છે. બીજું, આ ટીમનો લેજન્ડરી-કૅપ્ટન રોહિત શર્મા સોમવારે સતત છઠ્ઠી મૅચમાં સારું રમવામાં નિષ્ફળ ગયો.
હૈદરાબાદ સામેના વિજયનું સેલિબ્રેશન થવાનું જ હતું, પરંતુ રોહિત ડ્રેસિંગ-રૂમમાં કોઈક કારણસર ઉદાસ હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા હોય એવું લાગતું હતું અને તે આંસુ લૂછી રહ્યો હોય એવું એક વીડિયોમાં જોવા મળ્યો હતો.
ખરેખર તો રોહિત 174 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ 17મી મિનિટમાં પોતાના ફક્ત ચાર રનના સ્કોરે વિકેટકીપર ક્લાસેનના હાથમાં કૅચઆઉટ થઈ જતાં પૅવિલિયનમાં પાછા જતી વખતે પણ ખૂબ નિરાશ હતો અને માથુ નીચુ રાખીને આવી રહ્યો હતો.
ડ્રેસિંગ-રૂમમાંનો રોહિતનો જે વીડિયો વાઇરલ થયો છે એ બહુ ટૂંકો હોવાથી તે ખરેખર રડી રહ્યો હતો કે પછી તેના ચહેરા પર બીજા કોઈ કારણસરનો ભાવ હતો એ સ્પષ્ટ નહોતું થયું. હા, લાગલગાટ છ મૅચમાં (36, 6, 8, 4, 11, 4) ટીમને ઉપયોગી ન થઈ શક્યો એનો અફસોસ તેને હશે જ. તેના પર કૅપ્ટન્સીનો બોજ નથી એમ છતાં તે સારું પર્ફોર્મ નથી કરી શક્યો. આઇપીએલ-24ના શ્રેષ્ઠ બૅટર્સમાં તે છેક 17મા નંબરે છે. બારમાંથી પાંચ મૅચમાં તે 10 રનનો આંકડો પણ પાર નથી કરી શક્યો. ત્રણ મૅચમાં તેણે 30 રનનો આંક પાર કર્યો છે, પરંતુ ચેન્નઈ સામેના અણનમ 105 રનને બાદ કરતા આ વખતે તેના ખાતે હજી સુધી એકેય હાફ સેન્ચુરી નથી.
અફવાબજારમાં એવી વાતો છે કે હાર્દિકને મુંબઈનો કૅપ્ટન બનાવાયો એટલે રિસાયેલો રોહિત સારું નથી રમી રહ્યો. જોકે રોહિત જેવા પ્રતિભાશાળી ખેલાડી વિશે આવું જ્યારે કહેવામાં આવે ત્યારે કોઈને પણ થવું જોઈએ કે આ અફવા વાહિયાત છે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે