સ્પોર્ટસ

રિષભ પંતે સમજવું જોઈએ કે…: કૅપ્ટન રોહિત શર્માએ ખુલ્લેઆમ ગુસ્સો ઠાલવ્યો

મેલબર્નઃ ભારતના કૅપ્ટન રોહિત શર્માએ અહીં સોમવારે ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટના પરાજય બાદ પત્રકાર પરિષદમાં વિકેટકીપર-બૅટર રિષભ પંત પરની ચર્ચામાં કહ્યું હતું કે પોતાના માટે શું જરૂરી છે એ રિષભ પંતે સમજવું જ જોઈશે.' પ્રથમ દાવમાં પંતે 28 રનના પોતાના સ્કોર પર ખોટું સાહસ કરીને સ્કૂપ શૉટમાં બૉલને બાઉન્ડરી લાઇન તરફ મોકલવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી દીધી હતી અને સોમવારે અત્યંત કટોકટીના સમયે ફરી એકવાર બેજવાબદારીભર્યા શૉટમાં 30 રનના સ્કોર પર કૅચ આપી દીધો હતો. પ્રથમ દાવની તેની વિકેટ બાદ કૉમેન્ટરી-બૉક્સમાં સુનીલ ગાવસકર પંતના આ દુઃસાહસ બદલ ખૂબ ગુસ્સે થયા હતા અને સ્ટુપિડ…સ્ટુપિડ…સ્ટુપિડ…’ બોલીને તેની ખૂબ ટીકા કરી હતી.

આ પણ વાંચો: મેલબર્નમાં ભારતની હારના આ રહ્યા પાંચ કારણ…

રોહિત, કોહલી, રાહુલ સહિત ભારતનો ટૉપ-ઑર્ડર સદંતર ફ્લૉપ રહ્યો, પરંતુ બન્ને દાવમાં રિષભે ખરા સમયે વિકેટ ગુમાવી દીધી હતી. આ કપરા સમયમાં પણ રોહિત પત્રકારો સામે થોડા હળવા મિજાજમાં હતો અને અજાણતાં તેણે રમૂજી ટિપ્પણી કરી હતી. રિષભ પંતના ખોટા શૉટ વિશે પૂછવામાં આવતાં રોહિતે એ પત્રકારને સામું પૂછ્યું કે તમે તેની કઈ વિકેટની વાત કરો છો? આજની કે શનિવારની?' રોહિત વધુમાં બોલ્યો,આજની તેની વિકેટ પર અમારી વચ્ચે ખાસ કંઈ ચર્ચા નથી થઈ. જોકે અમે મૅચ હારી ગયા એનું બહુ દુઃખ છે. જે રીતે બાજી હાથમાંથી જતી રહી એ બદલ અમે બધા નિરાશ છીએ. અમે પરાજયની સંભાવના પર કોઈ વિચાર કર્યો જ નહોતો.’

રોહિતે રિષભ પંતના મુદ્દે પત્રકારોને વધુમાં કહ્યું, જુઓ, રિષભ પંતે એ તો સમજવું જ પડશે કે પોતાના માટે શું અગત્યનું છે. અમે તો તેને કહેતા જ હોઈએ છીએ, પણ સૌથી વધુ તો તેણે જ વિચારવું પડશે કે આગળ વધવા માટે ખરું શું છે.' જોકે રોહિતે પોતાના આ સૌથી મોટા મૅચ-વિનર્સમાંના એકને વધુ વખોડવાનું ટાળ્યું હતું, પરંતુ એટલું જરૂર કહ્યું હતું કેજોખમ ઉઠાવીને ફટકાબાજી કરવાની પંતના અભિગમથી ટીમને ભૂતકાળમાં કેટલીક વાર સફળતા જરૂર મળી છે, પણ તેણે જોખમ ઉઠાવવાની બાબતમાં સંતુલન વિશે (બૅલેન્સ જાળવવા વિશે) પણ વિચારવું પડશે, હરીફ ટીમને કમબૅક કરવા દેવી છે કે નહીં એના પર તેણે વિચારવું પડશે. હું રિષભને લાંબા સમયથી જાણું છું. અમારી વચ્ચે ઘણી વાર ચર્ચાઓ પણ થઈ છે. તેણે શું ન કરવું જોઈએ એ સમજવાનું છે, બસ.’

ભારત આ સિરીઝમાં 1-2થી પાછળ થઈ ગયું છે અને ત્રીજી જાન્યુઆરીથી સિડનીમાં છેલ્લી ટેસ્ટ રમાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button