કિંગ કોહલીના સમર્થનમાં આવ્યો રોહિત શર્મા, કહ્યું આધુનિક સમયના મહાન ખેલાડી…

મેલબોર્નઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા રન બનાવવામાં સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો હતો. કોહલી ઓસ્ટ્રેલિયામાં ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર રન કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે. રોહિતે કહ્યું હતું કે ‘આધુનિક સમયના મહાન ખેલાડીઓ પોતાનો રસ્તો જાતે જ બનાવી લે છે.
ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસ પર કોહલીએ પાંચ, અણનમ 100, સાત, અગિયાર અને ત્રણ રન કર્યા હતા. દરમિયાન તેની એવરેજ 31.50 રનની રહી છે. રોહિત શર્મા પણ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, તે તેની લય ઝડપથી પાછી મેળવશે તેવી આશઆ છે. જ્યારે રોહિતને કોહલીના ખરાબ ફોર્મ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે ચહેરા પર સ્મિત સાથે જવાબ આપ્યો હતો.
જ્યારે એક પત્રકારે રોહિતને પૂછ્યું કે ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલા વર્તમાન યુગના કોઇ મહાન ખેલાડીને તમે સલાહ આપવાનું પસંદ કરશો અથવા તેને પોતાની હાલત પર છોડી દેશો.
જેના જવાબમાં ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, “તમે પોતે કહ્યું હતું કે તે વર્તમાન યુગનો મહાન ખેલાડી છે. વર્તમાન યુગના મહાન ખેલાડીઓ પોતપોતાનો રસ્તો જાતે જ બનાવી લે છે.
કોહલી મેલબોર્ન ખાતે નેટ પ્રેક્ટિસ સત્રમાં હાજરી આપનાર શરૂઆતના બેટ્સમેનોમાંનો એક હતો. પ્રેક્ટિસ દરમિયાન રોહિતે બોલરોને ખાસ કરીને હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાને ચોથા સ્ટમ્પની લાઇનમાં બોલિંગ કરવા કહ્યું હતું.
જ્યારે રોહિતને તેના બેટિંગ ઓર્ડર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “તેની ચિંતા ન કરો.” મને લાગે છે કે આપણે ટીમની અંદર ચર્ચા કરવી જોઈએ કે કોણ ક્યાં બેટિંગ કરશે. મારે દરેક પ્રેસ કોન્ફરન્સમાં આ સવાલનો જવાબ આપવો જોઈએ નહીં.