
મુંબઈઃ ભારતનો ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા (ROHIT SHARMA) છ વર્ષે ફરી યોજાનારી ટી-20 મુંબઈ લીગ’નો ઍમ્બેસેડર (AMBASSADOR) બનવાની તૈયારીમાં છે અને આ ઇવેન્ટના આયોજક મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)એ આશા વ્યક્ત કરી છે કે શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ સહિત શહેરના અન્ય સ્ટાર ખેલાડીઓ પણ આ ઇવેન્ટમાં રમશે.
પચીસમી મેની ફાઇનલ સાથે આઇપીએલ પૂરી થયા બાદ મુંબઈ લીગ રમાશે અને આ લીગની જાહેરાત શુક્રવારે મુંબઈમાં થનારી જાહેરાત સમયના સમારોહમાં રોહિત હાજર રહેશે. મુંબઈ લીગ 2018માં અને 2019માં રમાઈ હતી. ત્યાર બાદ કોરોનાની મહામારીને કારણે આ સ્પર્ધા અટકાવી દેવાઈ હતી. હિટમૅન તરીકે જાણીતો રોહિત ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્ત થઈ ગયો છે, પરંતુ તેણે ટી-20 ફૉર્મેટવાળી આઇપીએલમાં રમવાનું ચાલુ રાખ્યું છે. મુંબઈના જાણીતા વર્તમાન ક્રિકેટરોમાં સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, અજિંક્ય રહાણે, શિવમ દુબે, તુષાર દેશપાંડે, પૃથ્વી શૉ વગેરેનો સમાવેશ છે.
યશસ્વી જયસ્વાલ થોડા દિવસ પહેલાં જ મુંબઈની ટીમ છોડીને ગોવાની ટીમ સાથે જોડાયો છે. પીટીઆઇને એમસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કેમુંબઈ લીગમાં રમવું જ એવું અમે મુંબઈના ખેલાડીઓ માટે ફરજિયાત નથી રાખ્યું. જોકે અમે દૃઢપણે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ પણ મુંબઈ લીગમાં રમે. તેઓ રમશે તો મુંબઈ ક્રિકેટના વિકાસમાં મદદ મળશે તેમ જ બાકીના ખેલાડીઓનો નૈતિક જુસ્સો વધશે અને આ ટૂર્નામેન્ટને પણ ફાયદો થશે.’
એવું મનાય છે કે એમસીએ મુંબઈ લીગના દરેક આઇકન પ્લેયરને 15 લાખ રૂપિયા આપશે.
એમસીએને આ ઇવેન્ટ માટે કુલ 2,800 અરજી મળી છે. આ ટૂર્નામેન્ટમાં નવી બે ટીમ સહિત કુલ આઠ ટીમ ભાગ લેશે.
મુંબઈ લીગની છ ટીમ કઈ?
મુંબઈ લીગમાં જાહેર થનારી નવી બે ટીમ સહિત કુલ આઠ ટીમ ભાગ લેશે. છ ટીમના નામ આ મુજબ છેઃ નૉર્થ મુંબઈ પૅન્થર્સ, એઆરસીએસ અંધેરી, ટ્રાયમ્ફ નાઇટ્સ મુંબઈ નૉર્થ ઈસ્ટ, નમો બાંદ્રા બ્લાસ્ટર્સ, ઇગલ થાણે સ્ટ્રાઇકર્સ અને આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ્સ.