એશિયા કપમાં રોહિત શર્માએ પણ રચ્યો આ ઈતિહાસ

કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે 228 રને પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું, પરંતુ આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ઐતિહાસિક રેકોર્ડ કર્યાં હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપમાં સુપર-4ની શ્રીલંકા સામેની મેચમાં વનડે ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કરીને ઈતિહાસ બનાવ્યો હતો. રોહિત શર્માએ 10,000 બનાવીને તે ભારતનો છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો હતો.
આ અગાઉ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 241 વન-ડે ઇનિંગ્સમાં 49ની એવરેજ અને 90ની સ્ટ્રાઇક રેટથી 10 હજારથી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 30 સદી અને 50 અડધી સદી ફટકારી છે.
શ્રીલંકા સામેની મેચમાં રોહિતે 22 રન ફટકાર્યા તે સાથે જ તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. એશિયા કપમાં ભારતની છેલ્લી મેચ પાકિસ્તાન સામે હતી. આ મેચમાં વિરાટ કોહલીએ અણનમ 122 રન બનાવ્યા અને વનડે ક્રિકેટમાં પોતાના 13 હજાર રન પૂરા કર્યા હતા.
રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પૂરો કરનાર વિરાટ કોહલી પછી બીજો સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો હતો. કોહલીએ 205 ઇનિંગ્સમાં પોતાના 10 હજાર વનડે રન પૂરા કર્યા હતા. રોહિતે પોતાની 241મી ઈનિંગમાં આ વિક્રમ નોંધાવ્યો હતો.