`અબ મેરે કો બૈઠના પડેગા સેક્રેટરી કે સાથ, ફૅમિલી-વૅમિલી કા ડિસ્કસ કરને કે લિયે…સબ મેરે કો બોલ રહે હૈ, યાર’
કૅપ્ટન રોહિતે ચીફ સિલેક્ટર સાથેની હળવી ચર્ચા બાદ પત્રકારોને સંકેત આપ્યો કે તેને અને સાથી ખેલાડીઓને બીસીસીઆઇના 10 કડક નિયમો સામે વાંધો છે
મુંબઈઃ ચીફ સિલેક્ટર અજિત આગરકરના મતે બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં ભારતીય ક્રિકેટરો માટે જે 10 નવા નિયમો બનાવ્યા છે એ કોઈ પ્રકારની સજા' નથી, પરંતુ કૅપ્ટન રોહિત શર્માએ આજે સંકેત આપ્યો હતો કે તેને અને તેના ટીમના સાથીઓને અમુક નિયમો સામે વાંધો છે.
સૌથી મોટો નિયમ એ છે કે વિદેશી ટૂર જો 45 કે વધુ દિવસની હશે તો ખેલાડી પોતાના સૌથી નજીકના પરિવાર (પત્ની તથા 18 વર્ષની ઉંમર સુધીના બાળકો)ના મેમ્બર્સને વધુમાં વધુ 14 દિવસ સુધી એ ટૂર પર પોતાની સાથે રાખી શકશે.
ફૅમિલી મેમ્બર એક જ વાર મુસાફરી કરી શકશે અને તેમના ટ્રાવેલને લગતી બધી વ્યવસ્થા કોચ, કૅપ્ટન તથા બીસીસીઆઇના જનરલ મૅનેજરની મંજૂરી પછી જ કરી શકાશે. ફૅમિલી મેમ્બરનો પ્રવાસ 14 દિવસથી વધારવા વિશે ખેલાડીએ હેડ-કોચ (ગૌતમ ગંભીર)ની પરવાનગી લેવી પડશે.
બીસીસીઆઇએ સત્તાવાર રીતે આ નિયમો બહાર નથી પાડ્યા. જોકે મીડિયામાં એ પ્રગટ થઈ ચૂક્યા છે. આજે મુંબઈમાં પત્રકાર પરિષદની શરૂઆત પહેલાં કૅપ્ટન રોહિત શર્મા ચીફ સિલેક્ટર અજિત આગરકરને કહી રહેલો સાંભળવા મળ્યો હતો કે
અબ મેરે કો બૈઠના પડેગા સેક્રેટરી કે સાથ, ફૅમિલી-વૅમિલી કા ડિસ્કસ કરને કે લિયે…સબ મેરે કો બોલ રહે હૈ, યાર.’
પીટીઆઇના અહેવાલ મુજબ રોહિતની આ કમેન્ટ મીડિયા માટે નહોતી, પણ માઇક્રોફોનમાં તેની આ કમેન્ટ સાંભળવા મળી હતી જેના પરથી પત્રકારો સારી રીતે સમજી શક્યા હતા કે રોહિતસેના નવા નિયમો વિશે નારાજ છે.
આપણ વાંચો: બીસીસીઆઇની મીટિંગમાં સનસનાટીભર્યા ખુલાસા, ક્રિકેટરો માટે બનાવાયા સખત નિયમો
જ્યારે રોહિતને નવા 10 નિયમો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યુંં કે `કોણે કહ્યું કે આ નિયમો બનાવાયા છે? શું આ નવા રુલ્સ (સોશિયલ મીડિયામાં) બીસીસીઆઇના સત્તાવાર હૅન્ડલ પરથી તમને મળ્યા? હજી એ નિયમોને સત્તાવાર રીતે તો બહાર આવવા દો.’
જોકે આગરકરે આ મુદ્દા પરની ચર્ચામાં કબૂલ્યું હતું કે આ પ્રકારના નિયમો બન્યા તો છે.