ધોની હવે નિવૃત્તિ લેશે કે નહીં? ચેન્નઈના ફંક્શનમાં આપ્યું મોટું નિવેદન

ચેન્નઈઃ મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે છતાં કરોડો ચાહકોની ભાવનાનું માન રાખીને તેણે આઇપીએલ (IPL)માં રમવાનું હજી ચાલુ જ રાખ્યું છે, પરંતુ સમયાંતરે તેના આઇપીએલ રિટાયરમેન્ટ વિશે પણ અટકળો (Speculation) ઉડતી રહેતી હોય છે અને એવી તાજેતરની અટકળ બાબતમાં ખુદ માહીએ મોટું નિવેદન આપ્યું છે.
2025ની આઇપીએલની શરૂઆતમાં જ ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી નીકળી જતાં ધોનીએ છેક સુધી સીએસકેનું સુકાન સંભાળ્યું હતું. જોકે તેની ટીમ સાવ તળિયે રહી હતી એટલે હવે સવાલ એ છે કે તે (ધોની) 2026ની આઇપીએલમાં રમશે કે નહીં? આખો દેશ આ સવાલનો જવાબ જાણવા માગે છે અને એ વિશે ખુદ ` થાલા’એ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: રિષભ પંતે ધોનીનો વિક્રમ તોડ્યો
ધોનીને સંપૂર્ણ નિવૃત્તિમાં લોકો જાણે જોવા જ નથી માંગતા. ધોની તાજેતરમાં ચેન્નઈના એક કાર્યક્રમ (function)માં ગયો હતો જ્યાં તેણે આઇપીએલમાં પોતાના રમવા બાબતમાં કહ્યું, ` આશા રાખું છું કે લોકો એવું નહીં વિચારતા હોય કે હું હજી 15-20 વર્ષ રમતો જ રહીશ. હું એક કે બે વર્ષની વાત નથી કરી રહ્યો. તમે મને હંમેશાં (સીએસકેની) પીળી જર્સીમાં જ જોશો. હું વધુ રમીશ કે નહીં એ વિશે તમને પોતાને જ જાણ થઈ જશે.’
2023માં ધોનીના સુકાનમાં સીએસકેની ટીમે પાંચમી વખત ટાઇટલ જીતવાના મુંબઈ ઇન્ડિયન્સના વિક્રમની બરાબરી કરી ત્યારે જ ધોનીએ નિવૃત્તિ લઈ લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ લોકચાહનાને માન આપીને તેણે રમવાનું ચાલુ રાખ્યું હતું. તેના રિટાયરમેન્ટને લગતી અટકળનો સિલસિલો છેલ્લી બે-ત્રણ સીઝનથી થતો રહે છે. જેવી નવી આઇપીએલ શરૂ થવાની હોય એના થોડા દિવસ પહેલાં ધોનીની નિવૃત્તિ વિશે જોરશોરથી અટકળ થવા લાગે છે. જોકે આ વખતે તો હજી ઘણા મહિનાઓ પહેલાંથી જ અટકળ થઈ રહી છે.
આ પણ વાંચો: ધોનીના કયા મુદ્દે લાઇવ શૉમાં આકાશ ચોપડા અને રૈના વચ્ચે દલીલબાજી થઈ?
ધોનીએ 2025ની આઇપીએલના અંત વખતે જ કહ્યું હતું કે 2026માં ` હું રમીશ કે નહીં એ નક્કી કરવા મારી પાસે હજી 10 મહિના બાકી છે.’ જોકે ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં ધોનીની છેલ્લી હાફ સેન્ચુરી છેક 2022ની સીઝનમાં હતી. ત્યાર પછીની ત્રણ સીઝનમાં કુલ 48 મૅચમાં તેના એક પણ ફિફ્ટી નથી. છેલ્લી પાંચ સીઝનમાં ધોની કુલ મળીને માત્ર 807 રન કરી શક્યો છે.