રોહિત લખનઊનો નહીં, પણ આ ટીમનો બનશે કૅપ્ટન? ડિવિલિયર્સે કહી દીધી ‘અંદર કી બાત’
મુંબઈ: એબી ડિવિલિયર્સને ભારતીય ખેલાડીઓ વિશેની ‘અંદર કી બાત’ જાહેર કરી દેવાની બહુ સારી ફાવટ લાગે છે. યાદ છેને, જાન્યુઆરીમાં તેણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા બીજા બાળકને જન્મ આપશે અને આ સેલિબ્રિટી કપલ પરિવારમાં બીજા સંતાનના આગમનની તૈયારીઓ કરી રહ્યું છે. ડિવિલિયર્સે પછીથી કોઈક પ્રકારના પ્રેશરને લીધે (ભૂલ કરી હોવાનું કહીને) પોતાની કમેન્ટ પાછી ખેંચી લેવી પડી હતી એ વાત અલગ છે, પરંતુ ફેબ્રુઆરીમાં અનુષ્કાએ પુત્ર (અકાય)ને જન્મ આપ્યો હતો. એ રીતે, ડિવિલિયર્સની ‘ભવિષ્યવાણી’ સાચી પડી હતી. હવે સાઉથ આફ્રિકાના આ ક્રિકેટ લેજન્ડે સંકેત આપ્યો છે કે રોહિત શર્મા રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)નો હિસ્સો બની શકે.
રોહિત શર્મા 2024ની આઇપીએલ વખતે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે કૅપ્ટનપદે રોહિતના સ્થાને ગુજરાત ટાઇટન્સમાંથી પાછા આવેલા હાર્દિક પંડ્યાને સુકાન સોંપ્યું હતું. ત્યારે એવી વાતો થવા લાગી હતી કે આગામી (2025ની) સીઝનમાં રોહિત મુંબઈ ઇન્ડિયન્સ છોડી જશે. હવે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બૅટર અને આરસીબીના ભૂતપૂર્વ ખેલાડી ડિવિલિયર્સે આરસીબીમાં રોહિતના જોડાવાની સંભાવના વિશે મોટી વાત કરી છે..
આ પણ વાંચો: “રોહિત શર્માની જેમ બહાદુર બનો” પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ શાન મસૂદને આપી સલાહ
થોડા સમય પહેલાં મીડિયા જગતમાં જોરશોરથી દાવો કરાયો હતો કે રોહિત 2025ની આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)નો હિસ્સો બની જશે. જોકે ડિવિલિયર્સે પોતાની યુટ્યૂબ ચૅનલ પર ટિપ્પણી કરીને આ કિસ્સાને નવી દિશા આપી છે. આવો જાણીએ, ડિવિલિયર્સે શું કહ્યું છે…
ડિવિલિયર્સે યુટ્યૂબ ચૅનલ પર કહ્યું, ‘થોડા સમય પહેલાં હું રોહિત વિશેની વાતો પર ખૂબ હસી પડ્યો હતો. રોહિત જો મુંબઈ છોડીને આરસીબીમાં જાય તો એ બહુ મોટા ન્યૂઝ કહેવાશે. એવું થશે તો હેડલાઇન શું હશે વિચારો! એવું થશે તો હાર્દિકની મુંબઈમાંની રીએન્ટ્રીથી પણ એ મોટા સમાચાર કહેવાશે. હાર્દિક ગુજરાતમાંથી મુંબઈ પાછો આવી ગયો એ કોઈ મોટું આશ્ર્ચર્ય નહોતું, પરંતુ રોહિત જો મુંબઈ છોડીને આરસીબીમાં જોડાશે તો વિચારો એ કેટલા મોટા સમાચાર બની જશે. જોકે હું નથી માનતો કે રોહિત મુંબઈ ઇન્ડિયન્સ છોડશે. મને એ સંબંધમાં 0 અથવા 0.1 ટકા શક્યતા લાગે છે.’
2024ની આઇપીએલમાં ફૅફ ડુ પ્લેસીએ બેન્ગલૂરુની કૅપ્ટન્સી સંભાળી હતી. ડુ પ્લેસી 40 વર્ષનો થઈ ગયો છે અને વધતી ઉંમર તેને કોઈને કોઈ રીતે આરસીબીની કૅપ્ટન્સીથી દૂર રાખી શકે. દરમ્યાન, ડિવિલિયર્સે ડુ પ્લેસીને સપોર્ટ કરતા કહ્યું છે, ‘ઉંમર તો માત્ર એક નંબર છે. મને નથી લાગતું કે 40 વર્ષ બહુ મોટી ઉંમર કહેવાય. તે છેલ્લી થોડી સીઝનથી આરસીબીની ટીમમાં છે અને ખેલાડીઓને તેની આદત પડી ગઈ છે. મને લાગે છે કે તેના પર આરસીબીને ટ્રોફી અપાવવાનું દબાણ છે. મને ખાતરી છે કે કોહલી તેના આ અનુભવી સાથીને જરૂર સપોર્ટ કરશે.’