રોહિતે ભારત-પાકિસ્તાન સિરીઝ વિશે પૂછાયું એટલે લગાવી દીધી સિક્સર!
મોહાલી: ક્રિકેટની દુનિયામાં જો ભારત વિરુદ્ધ પાકિસ્તાનના મુકાબલા ન હોત તો આ મહાન રમતમાં ભાગ્યે જ કોઈને રસ હોત. બન્ને કટ્ટર દેશ વચ્ચે ક્યારે ટક્કર થાય એની માત્ર આ બે દેશના જ નહીં, પણ ક્રિકેટ રમતા તમામ દેશોના ક્રિકેટપ્રેમીઓ રાહ જોતા હોય છે.
2008માં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ મુંબઈ પર ટેરર અટૅક કર્યો ત્યારથી બેઉ દેશ વચ્ચેના સંબંધો વણસી ગયા છે. ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાનનો 16 વર્ષથી પ્રવાસ નથી કર્યો અને દ્વિપક્ષી સિરીઝ માટે પાકિસ્તાનની ટીમને ભારતે પોતાને ત્યાં બોલાવી પણ નથી. આઇપીએલમાં પણ 2008 બાદ પાકિસ્તાનના એક પણ ખેલાડીને પ્રવેશ નથી મળ્યો. બહુ બહુ તો લગભગ દર વર્ષે આઇસીસીની ટૂર્નામેન્ટમાં બન્ને દેશની ટીમ સામસામે આવતી હોય છે.
બન્ને દેશ વચ્ચે હવે વન-ટૂ-વન સિરીઝ રમાવી જોઈએ એવું ઘણા માનતા હશે. સમયાંતરે પાકિસ્તાનના લશ્કર-પ્રેરિત આતંકવાદીઓ સરહદ પર હુમલો કરતા રહેતા હોય છે. બીજી રીતે કહીએ તો પાકિસ્તાન વર્ષોથી સરહદ પર સખણું જ નથી રહેતું.
આપણ વાંચો: જુલાઈમાં ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટરો વચ્ચે ટી-20માં બે ટક્કર થઈ શકે
જોકે ભારતનો કૅપ્ટન રોહિત શર્મા પાકિસ્તાન સાથે ક્રિકેટ-સંબંધો ફરી શરૂ થાય એની તરફેણમાં સકારાત્મક નિવેદન આપ્યું હતું. છેલ્લે 2007માં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ સિરીઝ ભારતે 1-0થી જીતી લીધી હતી.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને એક પૉડકાસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં રોહિતને પૂછ્યું કે ‘શું ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી ટેસ્ટ-ક્રિકેટ રમાવી જોઈએ? ક્રિકેટની રમત માટે એ કેટલું ફાયદાકારક બની શકે?
આ પૉડકાસ્ટમાં વૉનની સાથે ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઍડમ ગિલક્રિસ્ટ પણ હતો.
રોહિતે જવાબમાં કહ્યું, ‘એ બાબતમાં (ક્રિકેટને ફાયદો થઈ શકે એ વિશે) મને પૂરી ખાતરી છે. એ બહુ સારી ટીમ છે. તેમની પાસે બહુ સારી બોલિંગ લાઇન-અપ છે. મને લાગે છે કે બન્ને દેશ વચ્ચેનો મુકાબલો જોવા જેવો થશે. વિશેષ કરીને વિદેશી પરિસ્થિતિમાં રમવામાં આવે ત્યારે મુકાબલો વધુ રસાકસીભર્યો થઈ જાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે ટેસ્ટ 2006 કે 2008 (2007)માં રમાઈ હતી. ત્યારે કોલકાતામાં વસીમ જાફરે ડબલ સેન્ચુરી ફટકારી હતી.’
ભારત-પાકિસ્તાન વચ્ચે રાબેતામુજબ ધોરણે સિરીઝ રમાય એ જોવા માગો છો? એવા સવાલના જવાબમાં રોહિતે કહ્યું, ‘મને તો બહુ સારું લાગશે. આખરે આપણે બધા ટક્કર જ જોવા માગતા હોઈએ છીએ. મને તો લાગે છે કે જો બન્ને દેશ ફરી રમશે તો જબરદસ્ત મુકાબલો થશે. અમે તેમની સાથે માત્ર આઇસીસી ટૂર્નામેન્ટમાં રમીએ છીએ, પણ એનો ખાસ કોઈ મતલબ નથી. મને માત્ર સંગીન ક્રિકેટ મુકાબલામાં જ રસ છે. હું બીજી બાબતો તરફ જોતો જ નથી. ક્રિકેટ એટલે બૅટ અને બૉલ વચ્ચેનો મુકાબલો. હું માત્ર એટલું જ જાણું.’