રોહિત અને કોહલીનું સવા વર્ષે ટી-20 ટીમમાં કમબૅક: ટીમ જાહેર થઈ
મુંબઈ: અફઘાનિસ્તાન સામે 11મી જાન્યુઆરીએ ઘરઆંગણે શરૂ થનારી ત્રણ મૅચની ટી-20 સિરીઝ માટે 16 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એક વર્ષ કરતાં પણ વધુ સમય સુધી ટી-20 ઇન્ટરનૅશનલથી દૂર રહ્યા બાદ હવે ટીમમાં આવી ગયા છે. અફઘાનિસ્તાન સામે રમનારી ટીમમાં તેમનો સમાવેશ કરાયો છે. આ પહેલાં તેઓ નવેમ્બર 2022માં ઇંગ્લૅન્ડ સામે ભારત જે સેમિ ફાઇનલ હાર્યું હતું એમાં રમ્યા હતા.
રોહિત આ ટીમનો કૅપ્ટન છે. આ ટીમમાં રોહિત અને કોહલીને સ્થાન આપવું કે નહીં અથવા તો બન્ને પીઢ ખેલાડીઓ ફરી ટી-20 રમવા માગે છે કે કેમ એ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડમાં મૂંઝવણ ચાલતી હતી. ચીફ સિલેક્ટર અજિત આગરકર તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન કેપ ટાઉન ગયો હતો. એ શ્રેણીમાં રોહિત-કોહલી બન્ને રમ્યા હતા. આગરકરે કેપ ટાઉનની મુલાકાત લીધી ત્યાર પછી આ ટીમ જાહેર કરાઈ છે. રોહિત-કોહલી ફરી ટી-20 ટીમમાં આવી ગયા એનો અર્થ એ કરી શકાય કે જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેના પ્લાનમાં આ બન્ને પ્લેયર સામેલ હશે જ.
2022ના વિશ્ર્વકપથી ભારતની ટી20 ટીમનું સુકાન મોટા ભાગે હાર્દિક પંડ્યાએ સંભાળ્યું છે, પરંતુ તે તેમ જ સૂર્યકુમાર યાદવ ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં તો નહીં જ રમે, તેઓ સીધા માર્ચની આઇપીએલમાં રમવા આવશે એવી સંભાવના છે. ઋતુરાજ ગાયકવાડ આંગળીની ઈજાને લીધે અફઘાનિસ્તાન સામે તો નથી જ રમવાનો, ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પહેલી થોડી મૅચ પણ કદાચ ગુમાવશે.
જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જે ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે એ પહેલાંની ભારતની આ આખરી ટી-20 સિરીઝ છે.
અફઘાનિસ્તાન સામે રમ્યા પછી ભારતીયો ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણી રમશે. ત્યાર પછી તમામ ભારતીય પ્લેયરો આઇપીએલમાં રમવા પોતપોતાની ટીમ સાથે પ્રૅક્ટિસ શરૂ કરી દેશે.
ભારતની અફઘાનિસ્તાન સામેની ટી-20 ટીમ:
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિન્કુ સિંહ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્ર્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.