સ્પોર્ટસ

રોહિત-ગંભીરની જુગલ જોડીએ મૅચનું પાસું પલટી નાખ્યું અને ભારતે રચ્યો ઇતિહાસ

બાંગ્લાદેશના હેડ-કોચે પણ સ્વીકાર્યું, ‘અમે ભારતનો આવો અભિગમ અગાઉ કદી નહોતો અનુભવ્યો’

કાનપુર: ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કુલ મળીને માત્ર બે દિવસની રમતમાં બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં અસરદાર પર્ફોર્મન્સથી જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. પહેલા દિવસે માત્ર 35 ઓવરની રમત થઈ શકી હતી અને ત્યાર પછી વરસાદને કારણે આખો બીજો અને ત્રીજો દિવસ ધોવાઈ ગયો હતો. ચોથા દિવસની આખા દિવસની રમત બાદ પાંચમા દિવસે (મંગળવારે) ભારતે લંચના બ્રેક બાદ સાત વિકેટે વિજય હાંસલ કરી લીધો હતો અને લગભગ માત્ર છ સેશનમાં કરેલી આ કમાલ કૅપ્ટન રોહિત શર્મા તથા હેડ-કોચ ગૌતમ ગંભીરની સંયુક્ત વ્યૂહરચના થકી મળી હતી.

આ પણ વાંચો: અશ્વિને 11મો મૅન ઑફ ધ સિરીઝ (એમઓએસ) અવૉર્ડ જીતીને વિશ્વવિક્રમની કરી બરાબરી, મુરલીથી ક્યાંય ચડિયાતો છે

રોહિત-ગંભીરની જોડીએ વરસાદને કારણે નીરસ બની ગયેલી ટેસ્ટને ચોથા દિવસથી ફરી જીવંત બનાવતી વ્યૂહરચના ઘડી હતી. બાંગ્લાદેશના 233 રનના જવાબમાં ભારતે 285/9ના સ્કોર સાથે દાવ ડિક્લેર કર્યો હતો, બાવન રનની લીડ લીધી હતી અને પછી બીજા દાવમાં બાંગ્લાદેશને 146 રનમાં આઉટ કરીને ભારતે 95 રનનો લક્ષ્યાંક મળ્યા પછી 98/3ના સ્કોર સાથે વિજય હાંસલ કરી લીધો હતો.

બાંગ્લાદેશના હેડ-કોચ અને શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડી ચંદિકા હથુરાસિંઘેએ પણ મંગળવારે કબૂલ કર્યું હતું કે ‘ટીમ ઇન્ડિયાએ ગજબનો અભિગમ બતાવ્યો હતો. એનો આવો અપ્રોચ મેં અગાઉ કદી નહોતો અનુભવ્યો. અમે તેમના આ અભિગમનો તત્કાળ જવાબ જ ન આપી શક્યા. આ ચોંકાવનારા અપ્રોચને સફળ બનાવીને નીરસ મૅચને જીવંત તથા પરિણામલક્ષી બનાવવા બદલ રોહિત અને તેની ટીમને અભિનંદન. અમારા માટે 0-2નો આ ટેસ્ટ શ્રેણી-પરાજય આઘાતજનક એ માટે છે કે પાકિસ્તાનને એની જ ધરતી પર 2-0થી હરાવ્યા પછી અમે ભારતમાં એ જ માર્જિનથી હારી ગયા.’
હેડ-કોચ ગંભીરના હાથ નીચે ભારતે પહેલી જ ટેસ્ટ-સિરીઝમાં શાનદાર જીત મેળવી છે. રોહિત-ગંભીરની જોડીએ કુલ માત્ર બે દિવસમાં (કુલ છ સત્રમાં) ભારતને જિતાડીને ટેસ્ટ-ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે.

આ પણ વાંચો: સૌથી ઓછા બૉલ રમીને મેળવેલા વિજય: ભારતનો બીજા નંબરનો શ્રેષ્ઠ દેખાવ…

કૅપ્ટન રોહિત શર્મા બીજી ટેસ્ટમાં (23 રન અને 8 રન) સારું ન રમી શક્યો, પરંતુ તેણે ફરી એક વાર કમાલની કૅપ્ટન્સી બતાવી હતી. પ્રથમ દાવમાં સિરાજના બૉલમાં દૂર મિડ-ઑફ પર લિટન દાસનો એક હાથે કૅચ પકડીને રોહિતે ફીલ્ડિંગમાં પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે બોલિંગ અને ફીલ્ડિંગમાં સફળ ફેરફારો પણ કર્યા હતા. ખાસ કરીને મુખ્ય બૅટર્સમાંનો એક મોમિનુલ હક જે રીતે આઉટ થયો એ રોહિતની કમાલની કૅપ્ટન્સીનું જ એક અજોડ ઉદાહરણ છે. મોહમ્મદ સિરાઝે પણ પહેલા દાવમાં શાકિબના કમાલના કૅચ સહિત ખૂબ જ સારી ફીલ્ડિંગ કરી હતી.

બૅટિંગમાં રોહિતે પ્રથમ દાવમાં થોડી કમાલ દેખાડી હતી. તેણે ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી 11 બૉલમાં 23 રન બનાવ્યા હતા અને યશસ્વી સાથે પંચાવન રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. એ પ્રથમ દાવમાં ભારતીય ટીમે તોફાની બૅટિંગની વારંવાર ઝલક પણ આપી હતી. એમાં ભારતે સૌથી ઝડપે 50 રન, સૌથી ઝડપે 100 રન, સૌથી ઝડપે 150 રન, સૌથી ઝડપે 200 રન અને સૌથી ઝડપે 250 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IND vs BAN: જસપ્રિત બુમરાહનું શાનદાર પ્રદર્શન, સાઉથીને પાછળ છોડ્યો અને જયસૂર્યાની બરાબરી કરી

કે. એલ. રાહુલે પણ થોડી કમાલ બતાવી હતી. ધીમી બૅટિંગ માટે જાણીતા રાહુલે બીજા દાવમાં બે સિક્સર, સાત ફોરની મદદથી 43 બૉલમાં 68 રન બનાવ્યા હતા. એમાં તેણે કરીઅરની સૌથી ઝડપી હાફ સેન્ચુરી (33 બૉલમાં 50) ફટકારી હતી.
એ તો ઠીક, પણ પેસ બોલર આકાશ દીપે પણ પ્રથમ દાવમાં જે 12 રન બનાવ્યા એ તેણે બે છગ્ગાની મદદથી બનાવ્યા હતા.
બોલિંગમાં પણ ભારતે જાદુ બતાવ્યો હતો. આર. આશ્વિન, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને આકાશ દીપે ઘાતક બોલિંગથી બાંગ્લાદેશને પરાજય તરફ ધકેલ્યું હતું. જાડેજા ભારત વતી સૌથી ઝડપે (સૌથી ઓછી ઇનિંગ્સમાં) 300 વિકેટ અને 3,000 રનના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની સિદ્ધિ મેળવનાર ખેલાડી બન્યો હતો. બીજા દાવમાં તેણે બોલિંગ મળતાં જ પહેલી ત્રણ ઓવરમાં (શૅન્ટો, લિટન દાસ, શાકિબ)ની વિકેટ લઈને બાંગ્લાદેશનો બૅટિંગ-ઑર્ડર તોડી નાખ્યો હતો.

આશ્વિન 2023-’25ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવા ઉપરાંત ડબ્લ્યૂટીસીની ત્રણેય સીઝનમાં 50થી વધુ વિકેટ લેનાર એકમાત્ર બોલર પણ બન્યો છે. બુમરાહે આ સિરીઝમાં સાબિત કર્યું કે શા માટે પોતાને વર્તમાન ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર તરીકે ઓળખાવવામાં આવે છે.

આ તમામ પર્ફોર્મન્સ પાછળ કૅપ્ટન રોહિત અને હેડ-કોચ ગંભીરનું કોઈને કોઈ રીતે મહત્ત્વનું યોગદાન હતું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીએ સૌથી ઝડપે 27,000 રન પૂરા કરીને સચિન તેન્ડુલકરને પણ પાછળ રાખી દીધો છે. કોહલીએ 594 ઇનિંગ્સમાં 27,000 રન પૂરા કર્યા છે તો સચિન 2007ની સાલમાં 623મી ઇનિંગ્સમાં 27,000 રનના જાદુઈ આંકડા સુધી પહોંચ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button