સ્પોર્ટસ

ઋતુરાજે સીરિઝમાં તોડ્યો ગુપ્ટિલનો રેકોર્ડ, બિશ્નોઇએ અશ્વિનના રેકોર્ડની કરી બરોબરી

બેંગલુરુઃ ભારતે પાંચમી ટી-20માં ઓસ્ટ્રેલિયાને છ રને હરાવી શ્રેણી 4-1થી જીતી લીધી હતી. છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 160 રન કર્યા હતા, જ્યારે તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 154 રન જ કરી શકી હતી. ઋતુરાજ ગાયકવાડે આ શ્રેણીમાં સૌથી વધુ રન કર્યા હતા. તેણે પાંચ મેચમાં 55.75ની એવરેજથી 223 રન ફટકાર્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામેની ટવેન્ટી-ટવેન્ટી શ્રેણીમાં બેટ્સમેને બનાવેલા આ સૌથી વધુ રન છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂ ઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે હતો. ગુપ્ટિલે 2021માં ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીમાં 218 રન ફટકાર્યા હતા. જોકે, દ્વિપક્ષીય ટી-20 સીરિઝમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન બનાવવાના મામલે તે ત્રીજા સ્થાને છે. તેનાથી આગળ કેએલ રાહુલ અને વિરાટ કોહલી છે. ઋતુરાજે આ શ્રેણીમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

ભારતના યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પાંચ મેચમાં નવ વિકેટ લીધી હતી. તેનો ઈકોનોમી રેટ 8.20 હતો. રવિ આ સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. બીજા સ્થાને અક્ષર પટેલ હતો, જેણે પાંચ મેચમાં છ વિકેટ લીધી હતી.

રવિ બિશ્નોઈ દ્વિપક્ષીય ટી-20 સીરિઝમા ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે આ મામલે રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી હતી. અશ્વિને 2016માં શ્રીલંકા સામેની હોમ ટી20 સિરીઝમાં નવ વિકેટ ઝડપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button