
વિશાખાપટ્ટનમ: રિષભ પંતે 465 દિવસે ફરી હાફ સેન્ચુરી ફટકારી છે. દિલ્હીના કૅપ્ટને રવિવારે અહીં ચેન્નઈ સામેની આઇપીએલ મૅચમાં 32 બૉલમાં ત્રણ છગ્ગા, ચાર ચોક્કાની મદદથી 51 રન બનાવ્યા હતા. પંતે આ પહેલાં 2022ની બાવીસમી ડિસેમ્બરે મીરપુરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં હાફ સેન્ચુરી (93) ફટકારી હતી. ત્યાર બાદ તે કાર-અકસ્માતને કારણે નહોતો રમી શક્યો.
પંત 2023ની આઇપીએલમાં નહોતો રમી શક્યો અને આ વખતની આઇપીએલથી પાછો મેદાન પર ઊતર્યો છે. તે પહેલી બે મૅચમાં સાધારણ રમ્યો, પણ પાંચ ટાઇટલ જીતી ચૂકેલા ચેન્નઈ સામે રવિવારે હાફ સેન્ચુરી ફટકારીને પોતે અસલ ફૉર્મમાં લગભગ આવી જ ગયો છે એવો સંકેત આપ્યો હતો.
ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે ટ્વિટર પર પંતની આ ઇનિંગ્સના ભરપૂર વખાણ કર્યા હતા અને લખ્યું હતું, ‘રિષભ પંત ખરા અર્થમાં હવે અસલ ફૉર્મમાં આવી ગયો છે.’
દિલ્હીએ રવિવારની બીજી મૅચમાં બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 191 રન બનાવ્યા હતા જેમાં પૃથ્વી શોના 43 રન હતા જે તેણે 27 બૉલમાં બે સિક્સર, ચાર ફોર સાથે બનાવ્યા હતા. ડેવિડ વૉર્નર ફક્ત 35 બૉલમાં ત્રણ સિક્સર અને પાંચ ફોરની મદદથી 51 રન બનાવી શક્યો હતો. તેની અને પૃથ્વી વચ્ચે 93 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.
ચેન્નઈ વતી પથિરાનાએ ત્રણ તેમ જ જાડેજા અને મુસ્તફિઝુરે એક-એક વિકેટ લીધી હતી.