રિષભ પંતે ફટકારી સિક્સર ને સ્ટેડિયમના છાપરાંમાં પડ્યું બાકોરું

લીડ્સઃ પાંચ ટેસ્ટ રમવા માટે શુભમન ગિલના સુકાનમાં ઇંગ્લૅન્ડના પ્રવાસે આવેલી ભારતીય ટીમનો વાઇસ કૅપ્ટન અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (RISHABH PANT) આઇપીએલના ફ્લૉપ-શૉ બાદ હવે ટેસ્ટ-શ્રેણી માટે જરૂરી ફૉર્મ પાછું મેળવી રહ્યો છે અને એનો એક તાજો પુરાવો તેણે સોમવારે પ્રૅક્ટિસ દરમ્યાન આપ્યો હતો. તેના એક શૉટ (shot)માં બૉલ સ્ટેડિયમના છાપરાંને વાગ્યો હતો અને છાપરાં (roof)માં બાકોરું પડી ગયું હતું.
ભારત-ઇંગ્લૅન્ડની પ્રથમ ટેસ્ટ 20મી જૂને શરૂ થશે. નેટ-પ્રૅક્ટિસમાં સ્પિનર વૉશિંગ્ટન સુંદરના એક બૉલમાં રિષભ પંતે તાકાતથી એવો ફટકો માર્યો હતો કે તેના એ શૉટને સિકસર તો ગણવામાં આવી જ હતી, એ શૉટમાં બૉલ છાપરાંને વાગતાં મજબૂત નળિયું તૂટી ગયું હતું.
રિષભ પંતના આ શૉટથી બેન સ્ટૉક્સના સુકાનમાં ભારત સામે રમનારી ઇંગ્લૅન્ડની ટીમને સંકેત મળી જ ગયો હશે કે પંત આવનારી સિરીઝમાં કેવી ફટકાબાજી કરી શકે.
ભારતીય ક્રિકેટ ટીમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર ખેલાડીઓની પ્રૅક્ટિસનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - ઑસ્ટ્રેલિયા 10 વર્ષથી લૉર્ડ્સમાં નથી હાર્યુંઃ સાઉથ આફ્રિકા `ચૉકર્સ’નું લૅબલ હટાવવા મક્કમ
સોમવારે ખાસ કરીને ગિલ, પંત, બુમરાહ, સિરાજ અને જાડેજાએ પ્રૅક્ટિસ કરી હતી. હેડ-કોચ ગૌતમ ગંભીર અને કોચિંગ-સ્ટાફના અન્ય સભ્યો ખેલાડીઓને માર્ગદર્શન આપી રહેલા જોવા મળ્યા હતા.