સ્પોર્ટસ

SENA દેશોમાં ભારતીય બૅટ્સમેનોમાં સૌથી વધુ સિક્સર પંતની…

કોઈ એક દેશમાં પ્રવાસી ખેલાડીઓના સૌથી વધુ 24 છગ્ગાની રેકોર્ડ બુકમાં પણ ભારતીય વિકેટકીપર મોખરે

એજબૅસ્ટનઃ ભારતીય ટીમ માટે ક્યારેય પણ SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) દેશો ખાતેનો ટેસ્ટ-પ્રવાસ મોટા ભાગે મુશ્કેલ રહ્યો છે. આ દેશોની પિચો પર બૅટિંગ કરવી બિલકુલ આસાન નથી હોતી. જોકે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓનો સેના દેશોમાં પર્ફોર્મન્સ ઘણો સારો રહ્યો છે. અહીં આ અહેવાલમાં આપણે ટીમ ઇન્ડિયાના એવા ટૉપ-ફાઇવ પ્લેયર વિશે જાણીશું જેમણે સેના દેશોમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે.

આ લિસ્ટમાં પ્રથમ નંબર ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંત (RISHABH PANT)નો છે જે અત્યાર સુધીમાં SENA રાષ્ટ્રોમાં 28 ટેસ્ટની બાવન ઇનિંગ્સ રમ્યો છે જેમાં તેણે 44 છગ્ગા અને 212 ચોક્કા માર્યા છે. તેણે આ દેશોમાં 41.28ની સરેરાશે 2,023 રન બનાવ્યા છે.

પંતે એજબૅસ્ટનમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં એક અને બીજા દાવમાં ત્રણ સિક્સર ફટકારી હતી. કોઈ એક દેશમાં પ્રવાસી ટીમના ખેલાડીએ સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હોય એમાં પંતનું નામ મોખરે છે. તેણે ઇંગ્લૅન્ડમાં કુલ 24 સિક્સર મારી છે. તેણે બ્રિટિશ ટેસ્ટ ટીમના સુકાની બેન સ્ટૉક્સને પાછળ રાખી દીધો છે. સ્ટૉક્સે સાઉથ આફ્રિકામાં 21 છગ્ગા માર્યા છે.

ફરી SENA રાષ્ટ્રોની વાત પર આવીએ તો સચિન તેન્ડુલકરનો SENA રાષ્ટ્રોમાં રેકૉર્ડ બહુ સારો છે. તે આ દેશોમાં 63 ટેસ્ટની 114 ઇનિંગ્સ રમ્યો છે જેમાં તેણે 51.30ની સરેરાશે કુલ 5,387 રન કર્યા છે જેમાં 23 સિક્સર અને 721 ફોર સામેલ છે.

કપિલ દેવ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ટીમ ઇન્ડિયાના આ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટને SENA રાષ્ટ્રોમાં 35 ટેસ્ટના 53 દાવમાં 21 છગ્ગા અને 170 ચોક્કા ફટકાર્યા છે. આ ચાર દેશોમાં કપિલે 25.39ની સરેરાશે 1,295 રન કર્યા છે.

રોહિત શર્મા આ યાદીમાં ચોથા ક્રમે છે. તેણે SENA દેશોમાં પચીસ ટેસ્ટના 49 દાવમાં કુલ 1,268 રન કર્યા છે, 28.17 તેની બૅટિંગ સરેરાશ રહી છે અને તેના બૅટમાંથી 18 છગ્ગા અને 140 ચોક્કા જોવા મળ્યા છે.

લિસ્ટમાં પાંચમા સ્થાને એમએસ ધોની છે જેણે SENA રાષ્ટ્રોમાં 32 ટેસ્ટની 60 ઇનિંગ્સમાં 31.47ની સરેરાશે કુલ 1,731 રન કર્યા છે જેમાં તેના 17 છગ્ગા અને 231 ચોક્કા સામેલ છે.

આ પણ વાંચો : તો શું રિષભ પંત ટીમ ઇન્ડિયા માટે અનલકી સાબિત થયો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button