ઋષભ પંતને મળી શકે છે મોટું સન્માનઃ ‘લૉરિયસ વર્લ્ડ કમબેક’ એવોર્ડ માટે નોમિનેટ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મોટું સન્માન મળી શકે છે. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ પંત ડિસેમ્બર 2022માં ક્રિકેટના મેદાનમાં વાપસી કરવામાં સફળ રહ્યો હતો. ઋષભ પંતને પ્રતિષ્ઠિત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025માં વર્લ્ડ કમબેક ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારોહ 21 એપ્રિલે મેડ્રિડમાં યોજવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પંતે ગયા વર્ષે આઇપીએલમાં મેદાનમાં વાપસી કરી હતી. તેણે આઇપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી પંજાબ કિંગ્સ સામેની મેચમાં વાપસી કરી હતી. આ પછી પંત ટી-20 વર્લ્ડકપમાં પણ ટીમમાં જોડાયો હતો. પછી તેણે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી હતી. ઇજામાંથી વાપસી કર્યા બાદ પંતે પોતાની પહેલી જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.
પંત હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે. જોકે, પંતને અત્યાર સુધી ત્રણ મેચમાંથી એક પણ મેચમાં રમવાની તક મળી નથી અને તેના સ્થાને કેએલ રાહુલને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવી રહ્યો છે. પંત 22 માર્ચથી શરૂ થનારી આઇપીએલ 2025માં લખનઉની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
Also read: IPL 2024: કોલકત્તા સામેની મેચમાં ઋષભ પંતને આ કારણસર પડ્યો ફટકો
ઉલ્લેખનીય છે કે 30 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી રૂડકી જતી વખતે પંતની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. શરૂઆતમાં તેમની સારવાર દેહરાદૂનમાં કરવામાં આવી હતી અને પછી તેમને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી. તેના ઘૂંટણના ત્રણ લિગામેન્ટ્સની સર્જરી કરવામાં આવી હતી.