રિષભ પંત ડબ્લ્યૂટીસીના ઇતિહાસમાં એવો પહેલો ખેલાડી બન્યો છે જેણે…

લંડનઃ ઇંગ્લૅન્ડ સામે સિરીઝની પહેલી ત્રણ ટેસ્ટમાં બે સેન્ચુરી અને બે હાફ સેન્ચુરીની મદદથી સેકન્ડ-હાઇએસ્ટ 425 રન કરનાર વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં એવો પ્રથમ ખેલાડી બન્યો છે જે સિદ્ધિ 2019ના પ્રથમ વર્ષથી આ ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા દિગ્ગજ બૅટ્સમેનો નથી મેળવી શક્યા. પંત (Rishabh Pant) ડબ્લ્યૂટીસીની અત્યાર સુધીની ચારમાંથી દરેક સીઝન (season)માં 15 કે 15થી વધુ સિક્સર ફટકારનાર પહેલો ખેલાડી બન્યો છે.
પંતે 2019થી 2021 સુધીની પ્રથમ સીઝનમાં બાવીસ સિક્સર, 2021થી 2023 સુધીની બીજી સીઝનમાં 16 સિક્સર અને 2023થી 2025 સુધીની ત્રીજી સીઝનમાં 16 સિક્સર ફટકારી હતી અને હવે 2025થી 2027 સુધીની વર્તમાન સીઝનમાં ત્રણ ટેસ્ટમાં જ 15 છગ્ગા ફટકાર્યા છે જે આ સીઝનમાં રમી રહેલા તમામ દેશોના ખેલાડીઓમાં હાઇએસ્ટ છે.
પંતને સેહવાગનો વિક્રમ તોડવાની તક
રિષભ પંતને ડાબા હાથની પહેલી આંગળીમાં ગંભીર ઈજા થઈ છે. તે બુધવાર, 23મી જુલાઈએ મૅન્ચેસ્ટરમાં શરૂ થનારી ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં એ હજી નક્કી નથી, પણ જો તે રમશે તો ટેસ્ટ-ક્રિકેટમાં ભારતીયોમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર વીરેન્દર સેહવાગનો વિક્રમ તોડી શકશે. સેહવાગે ટેસ્ટ કરીઅરમાં કુલ 91 સિક્સર ફટકારી હતી. પંતના નામે કુલ 88 સિક્સર છે અને તે સેહવાગથી માત્ર ત્રણ ડગલાં દૂર છે.
આપણ વાંચો: કૈફના મતે બેન સ્ટૉક્સ અને જોફ્રા આર્ચર સોમવારે ભારતના કયા ખેલાડીને ઘાયલ કરવા માગતા હતા?
ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા બેન સ્ટૉક્સના
નવાઈની વાત એ છે કે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ઇંગ્લૅન્ડના પેસ બોલિંગ ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સે ફટકારી છે. તેના નામે કુલ 133 સિક્સર છે. બીજા નંબરે ન્યૂ ઝીલૅન્ડનો લેજન્ડ અને ઇંગ્લૅન્ડનો વર્તમાન હેડ-કોચ બે્રન્ડન મૅક્લમ છે જેણે 2004થી 2016 સુધીની કરીઅરમાં 107 છગ્ગા ફટકાર્યા હતા. ઍડમ ગિલક્રિસ્ટ 100 છગ્ગા સાથે ત્રીજા નંબરે છે.