રિષભ પંત કમબૅકમાં ફ્લૉપઃ સુદર્શન, પડિક્કલ, પાટીદાર પણ સસ્તામાં આઉટ

બેંગલૂરુઃ ઇન્ડિયા-એ ટીમની અહીં સાઉથ આફ્રિકા-એ સામે ચાલી રહેલી ચાર દિવસની બિનસત્તાવાર ટેસ્ટ (test)માં મહેમાન ટીમનો પ્રથમ દાવ 309 રન પર પૂરો થયો ત્યાર બાદ ઇન્ડિયા-એ (India A) ટીમ કેટલાક જાણીતા ખેલાડીઓના ફ્લૉપ-શૉને કારણે 234 રનમાં સમેટાઈ ગઈ હતી.
કૅપ્ટન રિષભ પંત (Rishabh Pant) ફક્ત 29 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને 17 રનના પોતાના સ્કોર પર કૅચઆઉટ થયો હતો. તે વિકેટ ગુમાવતાં પહેલાં એક શૉટ રમવા ગયો ત્યારે તેના હાથમાંથી બૅટ છટકી ગયું હતું. તે ઈજામુક્ત થયા બાદ ફરી રમવા આવ્યો છે, પરંતુ તેનું કમબૅક સારું નથી રહ્યું.
આપણ વાચો: રિષભ પંતનું કૅપ્ટન બનીને કમબૅકઃ સાઉથ આફ્રિકા સામે રમવાનો મોકો
18 વર્ષના મુંબઈના આયુષ મ્હાત્રેએ સાઉથ આફ્રિકન ટીમના બોલર્સનો સમજદારીથી સામનો કર્યો હતો અને 76 બૉલમાં 10 ફોરની મદદથી 65 રન કર્યા હતા. તેની અને સાઇ સુદર્શન (32 રન) વચ્ચે 90 રનની ભાગીદારી થઈ હતી. જોકે આયુષની વિકેટ પડ્યા બાદ ધબડકો શરૂ થયો હતો.

સસ્તામાં આઉટ થયેલા પંતની ટીમના અન્ય સ્ટાર ખેલાડીઓમાં દેવદત્ત પડિક્કલ (છ રન), રજત પાટીદાર (19 રન)નો સમાવેશ હતો. આયુષ બદોનીનું કુલ સ્કોરમાં 38 રનનું તથા તનુશ કોટિયનનું 13 રનનું યોગદાન હતું. સાઉથ આફ્રિકાના સ્પિનર પ્રેનેલન સુબ્રયેને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકા-એ ટીમે 75 રનની સરસાઈ મેળવ્યા બાદ બીજા દાવમાં વિના વિકેટે 30 રન કર્યા હતા.



