રિષભ પંતનું કૅપ્ટન બનીને કમબૅકઃ સાઉથ આફ્રિકા સામે રમવાનો મોકો

નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવનારી સાઉથ આફ્રિકા-એ ટીમ સામે રમાનારી ચાર દિવસની બે મૅચ માટેની ઇન્ડિયા-એ ટીમના કૅપ્ટનપદે વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (Rishabh Pant)ની નિયુક્તિ કરવામાં આવી છે અને જો તે પૂરેપૂરી ફિટનેસ (Fitness) પુરવાર કરશે તો તેને સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં રમવાની તક મળશે.
પંત ભારતનો મુખ્ય વિકેટકીપર છે. જુલાઈમાં મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં પંતને ક્રિસ વૉક્સનો બૉલ જમણા પગમાં વાગ્યો હતો જેને કારણે તેની કરીઅર થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. તેને જમણા પગમાં ફ્રૅક્ચર થયું હતું. જોકે એ મૅચમાં તે ટીમને જરૂર પડતાં પગમાં પાટો બંધાવીને પાછો રમવા આવ્યો હતો અને હાફ સેન્ચુરી (54 રન) ફટકારી હતી. ભારતે એ મૅચ ડ્રૉ કરાવી હતી.
આપણ વાંચો: રિષભ પંતે (Rishabh Pant) રચ્યો આઇપીએલ-રેકૉર્ડ, પહેલો ભારતીય ખેલાડી છે જેણે…
ઈજાને કારણે પંત એશિયા કપમાં નહોતો રમી શક્યો. ભારતે એ ટૂર્નામેન્ટ પાકિસ્તાન સાથેના અનેક વિવાદો વચ્ચે જીતી લીધી હતી. ભારતે એ સ્પર્ધામાં પાકિસ્તાનને ત્રણેય મૅચમાં હરાવ્યું હતું. એ ટૂર્નામેન્ટમાં સંજુ સૅમસન ભારતનો વિકેટકીપર હતો. તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે 2-0થી જે ટેસ્ટ-શ્રેણી જીતી એમાં પણ પંત નહોતો રમી શક્યો. એ શ્રેણીમાં ધ્રુવ જુરેલ ભારતનો વિકેટકીપર હતો.
ઇન્ડિયા-એ અને સાઉથ આફ્રિકા-એ વચ્ચેની બે ચાર-દિવસીય મૅચ અનુક્રમે 30મી ઑક્ટોબર અને છઠ્ઠી નવેમ્બરથી બેંગલૂરુ (Bengaluru)માં રમાશે. બન્ને મૅચમાં રિષભ પંત વિકેટકીપિંગ કરશે, પરંતુ વધારાના વિકેટકીપર તરીકે એન. જગદીશન અને બીજી મૅચમાં ધ્રુવ જુરેલને ટીમમાં સમાવાયા છે.
આપણ વાંચો: ગિલની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીઃ રોહિત, સચિન, બ્રેડમૅન, પંત અને બાબરથી આગળ થઈ ગયો
બે મૅચ માટેની ટીમમાં કોણ-કોણઃ
પ્રથમ મૅચઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), સાઇ સુદર્શન (વાઇસ-કૅપ્ટન), એન. જગદીશન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, અંશુલ કંબોજ, યશ ઠાકુર, આયુષ બદોની, સારાંશ જૈન, ગુર્નૂર બ્રાર અને ખલીલ અહમદ.
બીજી મૅચઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), સાઇ સુદર્શન (વાઇસ-કૅપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કે. એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, ખલીલ અહમદ, ગુર્નૂર બ્રાર, અભિમન્યૂ ઈશ્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.