રિન્કુ સિંહે ઉત્તર પ્રદેશની આ સાંસદ સાથે કરી સગાઈ
નવી દિલ્હીઃ ભારતના ક્રિકેટ-સ્ટાર રિન્કુ સિંહે ઇંગ્લૅન્ડ સામે બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝ પહેલાં સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી છે. તેઓ થોડા જ સમયમાં લગ્નગ્રંથિથી જોડાઈ જશે.
રિન્કુ સિંહના કોચ મસૂદ ઝફર અમીનીએ એક જાણીતી ન્યૂઝ ચૅનલને આપેલી મુલાકાતમાં આ માહિતી આપી હતી.
મસૂદ ઝફરે કહ્યું કે પ્રિયા સરોજના પિતા (જેમનું નામ તૂફાની સરોજ છે) 16મી જાન્યુઆરીએ સરોજ અને બીજા સંબંધીઓ સાથે અલીગઢ આવ્યા હતા અને અલીગઢ ઓઝોન સિટીમાં કાર્યક્રમ થયો હતો જેમાં પારિવારિક સભ્યોની હાજરીમાં સગાઈની વિધિ યોજાઈ હતી.
આપણ વાંચો: રિન્કુ સિંહે `પુષ્પા-ટૂ’ના અલ્લુ અર્જુનની સ્ટાઇલ રીક્રીએટ કરી, વીડિયો વાઇરલ થયો…
26 વર્ષની પ્રિયા સરોજે 2024ની લોકસભાની ચૂંટણીમાં મછલીશહર બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીત હાંસલ કરી હતી. તેણે બીપી સરોજ નામના હરીફને 35,850 મતથી હરાવ્યા હતા.
રિન્કુ સિંહ 27 વર્ષનો છે. તેનો જન્મ 1997માં ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં થયો હતો. પ્રિયા સરોજનો જન્મ 1998માં વારાણસીમાં થયો હતો. પ્રિયાએ સ્કૂલનો અભ્યાસ દિલ્હીની ઍર ફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાં પૂરો કર્યો હતો. ત્યાર બાદ તેણે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં આર્ટ્સમાં ગે્રજ્યૂએશન કર્યું હતું. ત્યાર પછી પ્રિયાએ નોઇડાની એમિટી વિશ્વ વિદ્યાલયમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી.
આપણ વાંચો: IND vs SA T20: ભારત મૅચ જીત્યું, સિરીઝ જીત્યું અને ખડકી દીધા આઠ-આઠ મોટા રેકોર્ડ!
પ્રિયાના પિતા તૂફાની સરોજ પણ ત્રણ વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ કેરાકત બેઠક મતવિસ્તારમાં સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય છે.
લેફ્ટ-હૅન્ડ બૅટર રિન્કુ ભારત વતી બે વન-ડે અને 32 ટી-20 મૅચ રમી ચૂક્યો છે. તેના નામે કુલ 550થી વધુ આંતરરાષ્ટ્રીય રન છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 50 મૅચમાં 3,336 રન બનાવ્યા છે જેમાં સાત સેન્ચુરી અને બાવીસ હાફ સેન્ચુરી સામેલ છે.