
લખનઉ: ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટર રિંકુ સિંહના લગ્ન ઉત્તર પ્રદેશના જૌનપુરની મછલીશહર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની સાથે નક્કી (Rinku Singh-Priyas Saroj Wedding) થયા છે. હવે બંનેના લગ્નની તરીખ જાહેર કરવામાં આવી છે.
અહેવાલ મુજબ 8 જૂનના રોજ લખનઉમાં રીંકુ અને પ્રિયાની રીંગ સેરેમની યોજાશે, જયારે લગ્ન 18 નવેમ્બર, 2025ના રોજ વારાણસીની હોટેલ તાજમાં યોજાશે. આ લગ્ન સમારંભમાં ક્રિકેટ સ્ટાર્સ, રાજકરણીઓ, ફિલ્મ હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ હાજરી આપે એવી શક્યતા છે.
કોણ છે પ્રિયા સરોજ?
IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા અલીગઢના રિંકુ સિંહની ભાવિ પત્ની પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના મછલીશહર મતવિસ્તારથી સમાજવાદી પાર્ટીના સાંસદ છે. 2024ની લોકસભા ચુંટણીમાં તેમણે બીપી સરોજને 3,5850 મતોના માર્જિનથી હરાવીને મોટી જીત મેળવી હતી. પ્રિયા સરોજનો જન્મ 23 નવેમ્બર 1998 ના રોજ વારાણસીમાં થયો હતો. પ્રિયા સરોજ વ્યવસાયે વકીલ છે.
પ્રિયાનાં પિતા દિગ્ગજ રાજકારણી:
પ્રિયા સરોજના પિતાનું નામ તૂફાની સરોજ છે, જેઓ મછલીશહર મતવિસ્તારથી સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં, તેઓ કેરાકટ વિધાનસભા બેઠકથી વિધાનસભ્ય છે.
તૂફાની સરોજે અગાઉ કહ્યું હતું કે તેઓ અલીગઢમાં રિંકુના પરિવારને મળ્યા હતા. પરિવાર લગ્ન માટે તૈયાર છે. બંને IPL 2025 પછી લગ્ન કરશે.
હવે રિંગ સેરેમની અને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, લગ્ન પરંપરાગત રીતરિવાજ મુજબ થશે.
આપણ વાંચો: વિરાટ-અનુષ્કા માસ્ક પહેરીને આવી પહોંચ્યા અમદાવાદમાં…
પહેલીવાર ક્યાં મળ્યા હતાં બંને?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયાના એક મિત્રના પિતા ક્રિકેટર હતા. તેઓ રિંકુને ખૂબ સારી રીતે ઓળખે છે. તેમણે જ રિંકુ અને પ્રિયાની પહેલી વાર મુલાકાત કરાવી હતી. રિંકુએ અલીગઢમાં જે નવું ઘર બનાવ્યું છે તે પ્રિયાએ જ ફાઇનલ કર્યું હોવાની ચર્ચા છે.