
ધરમશાલા: આઇપીએલ મે મહિનાના અંત ભાગમાં પૂરી થશે ત્યાર પછી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ આડકતરી રીતે અત્યારથી જ તૈયાર કરવામાં આવી રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવાના નામ અત્યારથી ફિક્સ છે, પરંતુ સ્ક્વૉડમાં બીજા કોને સામેલ કરવા એની મથામણ ચાલુ છે.
આ સ્થિતિમાં ધરમશાલા કે જ્યાં ગુરુવાર, સાતમી માર્ચે ઇંગ્લૅન્ડ સામે આખરી ટેસ્ટ શરૂ થશે ત્યાં બનેએટલા ભારતીય ખેલાડીઓને ભેગા કરવામાં આવી રહ્યા છે અને એમાં લેટેસ્ટ ઉમેરો પિંચ હિટર રિન્કુ સિંહનો થયો છે.
વાત એમ છે કે જૂનના ટી-20 વર્લ્ડ કપ માટે ધરમશાલામાં ફૉટોશૂટ શરૂ કરવામાં આવી રહ્યું છે અને એ માટે રિન્કુને ખાસ બોલાવવામાં આવ્યો છે. જોકે કેટલાકને લાગે છે કે રિન્કુને છેલ્લી ટેસ્ટમાં રમાડીને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો પણ આપવામાં આવશે. ભારત 3-1થી સિરીઝ જીતી ગયું છે, પણ હવે વિજયી માર્જિન 4-1નું કરીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારત પોતાનું સ્થાન મજબૂત કરવા કોઈ કસર નહીં છોડે.
ભારતને સારા મૅચ-ફિનિશરની જરૂર છે જ અને મિડલ-ઑર્ડરમાં (ચોથા નંબરે) રજત પાટીદાર સદંતર ફ્લૉપ રહેતાં હવે રિન્કુને અજમાવવામાં આવે તો ટીમ ઇન્ડિયાને ઘણો લાભ થઈ શકે એમ છે. ખુદ રિન્કુએ પોતાના ચાહકોને સોશિયલ મીડિયા પર ધરમશાલાની વિઝિટ વિશેની જાણકારી આપી હતી.