રિન્કુને વર્લ્ડ કપમાં નહોતું રમવા મળ્યું, હવે એશિયા કપ માટે સિલેક્ટ થશે?
મંગળવારે ટીમની જાહેરાત કરાશે

મુંબઈઃ આગામી નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારા આઠ દેશ વચ્ચેના ટી-20 એશિયા કપ માટેની ભારતીય ટીમ મંગળવાર, 19મી સપ્ટેમ્બરે જ્યારે નક્કી કરવામાં આવશે ત્યારે અજિત આગરકરની આગેવાનીમાં સિલેક્શન કમિટી આક્રમક બૅટ્સમૅન રિન્કુ સિંહ (Rinku Singh)ના નામ પર ચર્ચા કરશે કે નહીં અને કરશે તો તેને સ્ક્વૉડમાં સમાવશે કે નહીં એની ભારતીય ક્રિકેટમાં ચર્ચા થઈ રહી છે.
થોડા વર્ષ પહેલાં રિન્કુનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો. તેણે આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમીને ગુજરાત ટાઇટન્સના પેસ બોલર યશ દયાલના છેલ્લા પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકારીને ક્રિકેટ જગતમાં ધમાલ મચાવી દીધી હતી અને ત્યારે તેને ભારતના ભાવિ મૅચ-ફિનિશર તરીકે ઓળખાવવામાં આવતો હતો.
આપણ વાંચો: ગૌતમ ગંભીરે એશિયા કપ પહેલાં પ્રાર્થના માટે આ મંદિરની લીધી મુલાકાત…
જોકે 2024ના ટી-20 વર્લ્ડ કપ (જેમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું) માટેની સ્ક્વૉડમાં તેનું સિલેક્શન ન થતાં ત્યારથી તેની કરીઅરનો ગ્રાફ નીચે જવા લાગ્યો હતો. 2024 અને 2025ની આઇપીએલમાં તેને અનુક્રમે 113 બૉલ અને 134 બૉલ રમવા મળ્યા હતા જેનાથી તેની લોકપ્રિયતા વધુ ઘટી ગઈ હતી.
ટી-20 ટીમની બૅટિંગ લાઇન-અપમાં સ્થાન મેળવવા ગળાકાપ હરીફાઈ થઈ રહી છે એ જોતાં રિન્કુને એશિયા કપ (Asia Cup)ની ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે. જો તેને ટીમમાં સિલેક્ટ નહીં કરવામાં આવે તો 2026માં ભારત અને શ્રીલંકામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં પણ તે જોવા મળશે કે કેમ એમાં શંકા છે.
ઉત્તર પ્રદેશમાં મૂળ અલીગઢના રિન્કુ સિંહે તાજેતરમાં સમાજવાદી પાર્ટી (સપા)ની સાંસદ પ્રિયા સરોજ સગાઈ કરી હતી.
આપણ વાંચો: ભારત એશિયા કપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરે એ સંભવ છે? બૉયકૉટ કેમ ન થઈ શકે?
એશિયા કપની ટીમ માટે કયા બૅટ્સમેનો નક્કી છે?
ટેસ્ટના નવા કૅપ્ટન શુભમન ગિલને તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 754 રન કરવા બદલ ટી-20 ટીમમાં કમબૅક કરવાની તક છે. જોકે આ ટીમનું સુકાન મુખ્ય કૅપ્ટન સૂર્યકુમાર યાદવને જ સોંપાશે કે બીજા કોઈને એ સવાલ છે.
સૂર્યકુમારે તાજેતરમાં જ સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી. સૂર્યકુમાર ઉપરાંત અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર-બૅટ્સમૅન), તિલક વર્મા તેમ જ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપ માટેની ટીમ માટે નક્કી છે. ગિલ ઉપરાંત યશસ્વી જયસ્વાલને પણ આ ટીમમાં જગ્યા મળે એવી સંભાવના છે.